બિપરજોય વાવાઝોડાનું સંકટ, ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે આગોતરા પગલા લેવાયા છેઃ મુખ્યમંત્રી
ગાંધીનગરઃ રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થિતિને પહોંચી વળવા માટેના આગોતરા પગલાંની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાના સંકટ સામે ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.
દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવ સામે તંત્રની સજ્જતા અંગે તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી. મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 37,794 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાંથી 6229 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગની સજ્જતા અંગે તેમણે કહ્યું કે વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ૫૨૧ જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં ૧૫૭ (૧૦૮) એમ્બ્યુલન્સ સેવાઓ સહિત કુલ ૨૩૯ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા 4 સી.ડી.એચ.ઓ – 15 મેડીકલ ઓફિસર-સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના વર્તારા અનુસાર આગામી 14 અને 15 જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. કચ્છ જિલ્લામાં આ વાવાઝોડાની વ્યાપક અસરની શકયતાને પગલે કચ્છમાં 40 હજારથી વધુ ફૂડ પેકેટ- બે હજાર કિલોગ્રામ મિલ્ક પાવડર-45 હજાર ટ્રેટાપેક મિલ્ક જરૂરતમંદ લોકોને પહોંચાડવા તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત માર્ગ-મકાન વિભાગે 115 ટીમો બનાવીને આ જિલ્લાઓમાં કાર્યરત કરી છે. 167 જે.સી.બી- 230 ડમ્પર સહિત 924 મશીનરી-વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ-કચ્છમાં ખાસ એસ.ઇ ને ફરજ સોંપાઇ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આજે સૌરાષ્ટ્રમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. માંડવીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. આજે ભારે પવન આવવાથી પોરબંદરમાં એક દીવાલ પડી ગઈ હતી. જેથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં અને જૂનાગઢમાં એક-એક વૃક્ષ પડી ગયાં હતાં. સૌરાષ્ટ્ર વિસ્તારનાં તમામ રેલવે સ્ટેશન બંધ કરાયાં. બનાસકાંઠાથી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેન અને બસના રૂટ પણ રદ કરાયા છે. પંજાબમાંથી પણ 5 NDRFની ટીમ એર લિફ્ટ કરાઈ છે. જ્યારે તામિલનાડુની 5 NDRFની ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ. 8 હજાર કરોડની 3 મોટી યોજનાની જાહેરાત કરી છે.
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાંની પરિસ્થિતિને પગલે નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકોને અપિલ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે વાવાઝોડાંને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા ગોઠવી છે. ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત અને પુનઃવ્યવસ્થાપન માટેનું આયોજન સુનિશ્ચિત કરી લીધું છે. તેમજ કહ્યું કે, રાજ્ય સરકારે અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપાતી સૂચનાનું પાલન કરો. ખાસ કરીને ભારે વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે ઘરમાં જ રહો બહાર નિકળવાનું ટાળો, વૃક્ષ નીચે, થાંભલા નીચે કે જૂના જર્જરિત મકાનોમાં આશ્રય લેવાનું ટાળો, વીજ ઉપકરણોને અડવું નહી, વીજ થાંભલાથી દૂર રહેવું, જરૂરીયાતના સમયે સ્થાળાંતર માટે તંત્રને સહયોગ કરો તેમજ તંત્રની સૂચનાનું પાલન કરો.