બિપરજોય વાવાઝોડાને લીધે ગોંડલ- ઉપલેટામાં ધોધમાર વરસાદ, ભારે પવનથી મકાનોના પતરાં ઉડ્યા
રાજકોટઃ બિપરજોય વાવઝોડાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, પંથકમાં પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.ગત રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડતા લોકોમાં થોડો ગભરાટનો માહોલ સર્જાયો હતો. કાચા મકાનો અને નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને તંત્રએ સાવચેત કરી દીધા હતા. ઉપલેટા પંથકમાં સોમવારથી ભારે પવન અને વરસાદની શરૂઆત થઈ હતી. ગત રાતથી સવાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જામકંડોરણામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સાવચેતીના ભાગ રૂપે લોકોને સલામત સ્થળે પહોંચડવાનું કામ તંત્ર કરી રહ્યું છે.
બિપરજોય વાવાઝોડાના આગમન પહેવા જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉપલેટા શહેર અને મોજીરા, સેવંત્રા, કેરાળા, વાડલા, ખાખીજાળીયા, ગામ સહિતના વિસ્તારોમાં ભારે સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરમાં વરસાદને લઈ રોડ ઉપર જાણે નદી વહેતી હોઈ તેમ પાણી વહેતા થયા હતા. તો જામકંડોરણા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે લાઈટો ગુલ થઇ રહી છે. જેતપુરના ગોંડલ દરવાજા વિસ્તારમાં ગાય વીજપોલની પેટીને અડી જતા તેને વીજ કરંટ લાગતા તે ઘટનાસ્થળે મોતને ભેટી હતી. ગાયના મોતના સમાચાર મળતા PGVCL અને નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વીજ કરંટને કારણે ગાયનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વીજ પેટી ખુલ્લી હોવાથી ગાયને કરંટ લાગતા લોકોએ PGVCLની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ધોરાજી વિસ્તારમાં ભારે પવનને લીધે કાચા મકાનોના પતરાના છાપરા ઉડ્યા હતા. શકુરા નદીના કાઠે રહેતા એક ગરીબ પરિવારના ઝુંપડાની છત ભારે પવન આવતાની સાથે ઉડી ગઈ હતી. ઝુંપડામાં રહેતા લોકોની ઘર વખરી ભારે પવન તથા વરસાદને કારણે પલળી ગઈ હતી. ઘરમાં પડેલું અનાજ અને ખાદ્ય સામગ્રી પણ પલળી જતા ખાવા લાયક રહ્યું નથી. આમ આ ગરીબ પરિવાર આજે ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે.