1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નરોડા રેલવે ઓવરબ્રિજને સંત રોહીદાસ બ્રિજ નામ આપવાની માગ સાથે દલિત સમાજના ધરણાં
નરોડા રેલવે ઓવરબ્રિજને સંત રોહીદાસ બ્રિજ નામ આપવાની માગ સાથે દલિત સમાજના ધરણાં

નરોડા રેલવે ઓવરબ્રિજને સંત રોહીદાસ બ્રિજ નામ આપવાની માગ સાથે દલિત સમાજના ધરણાં

0
Social Share

અમદાવાદઃ  શહેરના નવનિર્મિત નરોડા રેલવે ઓવરબ્રિજના નામકરણનો વિવાદ વકરતો જાય છે. રેલવે ઓવરબ્રિજનું નામ સ્થાનિક દલિત સમાજના સંત રોહીદાસના નામે રાખવા દલિત સમાજની અનેક સંસ્થાઓ અને પશ્ચિમ લોકસભાના ભાજપના સાંસદ સભ્ય ડો. કિરીટ સોલંકી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જો કે,  નરોડા રેલવેબ્રિજનું નામ સંત રોહિતદાસ રાખવામાં ન આવતા મંગળવાર સવારથી સ્થાનિક દલિત સમાજના આગેવાનો અને લોકો નરોડા રેલવે ઓવર બ્રિજના છેડે ધરણાં પર બેસી ગયા હતા. જેને પગલે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો.

બહુજન સંઘર્ષ સમિતિના પ્રમુખ કિરીટભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, નરોડા રેલવે ઓવરબ્રિજનું  સંત રોહીદાસ નામકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના સાંસદ સભ્યએ પત્ર લખી રજૂઆત બાદ પણ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના જ શાસકોએ સાંસદ સભ્યને પણ ગાંઠ્યા નહીં. સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામોમાં સરદારનગર વોર્ડના કોર્પોરેટર કંચનબેન પંજવાણીની દરખાસ્તને ધ્યાને રાખી નરોડા રેલવે ઓવરબ્રિજનું નામ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રેલવે ઓવરબ્રિજ રાખવા મંજૂરી આપવામાં આવી હતી. આગામી દિવસોમાં દલિત સમાજ દ્વારા આ મામલે વિરોધ પણ નોંધાવવામાં આવશે.

બહુજન સંઘર્ષ સમિતિના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા પચાસ વર્ષથી અમે નરોડા રેલવે ઓવરબ્રિજની નજીક રહીએ છીએ. 50થી 60 ટકા જેટલી બે પેઢીથી દલિત સમાજની વસ્તી નરોડામાં છે. સ્થાનિક લોકો અને દલિત સમાજની માંગણી હતી કે, નરોડા રેલવે ઓવરબ્રિજનું નામકરણ સંત રોહીદાસ બ્રિજ રાખવામાં આવે. એના માટે અમે છેલ્લા એક વર્ષથી મ્યુનિસિપલ કમિશનર, મેયર, સાંસદ સભ્ય અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. જોકે ત્રણેક દિવસ પહેલા અમને જાણવા મળ્યું હતું કે,  મ્યુનિ. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં સરદારનગર વોર્ડના કોર્પોરેટર કંચન પંજવાણીના દરખાસ્તની સાથે આ બ્રિજનું નામકરણ બીજું રાખવામાં આવ્યું છે. આ અમારા સંતનું અપમાન છે, જે ચલાવી લેવાશે નહીં. આગામી દિવસોમાં તેનો વિરોધ યથાવત રહેશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code