
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચે બનાવેલા જિમ્નેશિયમ, વોલીબોલ-બાસ્કેટબોલ કોર્ટ વગેરે પીપીપી ધોરણે ખાનગી કોન્ટ્રાક્ટરોને માત્ર સામાન્ય વાર્ષિક ફી વસૂલી ચલાવવા માટે આપી દેવાતા વિરોધ ઊભો થયો છે. એએમસીના રીક્રિએશનલ કમિટીએ સાઉથ બોપલ વિસ્તારના ગાર્ડનમાં બનાવવામાં આવેલા વોલીબોલ-બાસ્કેટબોલ કોર્ટને મહિને માત્ર રૂ. 18,800ના ભાડા પર પાંચ વર્ષ ચલાવવા માટે તેમજ શહેરના રખિયાલ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલા જિમ્નેશિયમને રૂ. 30,000ના ભાડા પર પાંચ વર્ષ માટે ભાડે આપી દેવામાં આવ્યા છે. બંનેના કોન્ટ્રાક્ટર એક જ છે પરંતુ નામ અલગ હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશનલ કમિટી દ્વારા છેલ્લા બેથી ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ જગ્યાએ બાસ્કેટબોલ, વોલીબોલ સ્કેટિંગ રિંગ સહિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યા છે. જેને માત્ર પોતાના માનનીતા કોન્ટ્રાક્ટરોને સામાન્ય વાર્ષિક ફી વસૂલી અને પાંચથી દસ વર્ષ માટે ચલાવવાનો પરવાનો આપી દીધો છે. જેના પગલે પ્રજાના પૈસામાંથી બનેલા કરોડો રૂપિયાના આ બિલ્ડીંગોમાંથી હવે કોન્ટ્રાક્ટરો કમાણી કરશે. રીક્રિએશનલ કમિટીએ સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં બનાવેલા બોલ અને બાસ્કેટબોલને વાર્ષિક રૂ. 2.26 લાખની વાર્ષિક ફી વસુલ કરી પાંચ વર્ષ માટે ચલાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. સાઉથ બોપલ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન પર આ ગાર્ડન બન્યો છે અને ત્યાં જો જમીનની પ્રતિ ચોરસ મીટર કિંમત ગણીએ તો તેના પણ અડધા ભાવે મહિનાના ભાડેથી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ ઉપરાંત શહેરના રખિયાલ વિસ્તારમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે જિમ્નેશિયમ બનાવવામાં આવ્યું છે. જેને પણ પીપીપી ધોરણે કોન્ટ્રાક્ટ પર ચલાવવા માટે થઈને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જિમ્નેશિયમમાં વાર્ષિક રૂ. 3.61 લાખ વસુલ કરીને પાંચ વર્ષ માટે ચલાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. પાંચ વર્ષ બાદ ઉપરાંત સમીક્ષા કરી અને વધુ ત્રણ વર્ષ માટે પણ આપી શકાય તેવી ટેન્ડરમાં શરત કરી અને વધારે ત્રણ વર્ષ માટે પણ આ જ કોન્ટ્રાક્ટરને ચલાવવા માટે આપવામાં આવે તેવી ગોઠવણ ભાજપના સત્તાધિશોએ કરી દીધી છે આમ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને બિલ્ડીંગ બનાવવામાં આવે છે અને તેને માનનીતા કોન્ટ્રાક્ટરોને વર્ષો સુધી ચલાવવાનો ફરવાનો ભાજપના સત્તાધીશો આપી રહ્યાં છે.