અમદાવાદઃ શહેરમાં ગુખાનોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન શહેરના કઠવાડા જીઆઈડીસીમાં ગેરકાયદેસર હથિયારના પાર્ટ બનાવવાની ફેકટરી ઝડપાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ફેકટરીમાં હથિયારના જે પાર્ટ બનાવવાની મંજુરી આપવામાં આવી હતી તે ઉપરાંત અન્ય પાર્ટસ પણ અહીં બનાવવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સ્થળ પરથી ડાઈ અને અન્ય સાઘનો જપ્ત કર્યાં હતા. પોલીસે સમગ્ર ઘટનામાં ફેકટરીના માલિક અને મેનેજરની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,કઠવાડા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં લાયસન્સ વિના હથિયારના પાર્ટ બનાવતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ફેકટરી ઉપર દરોડા પાડીને તપાસ કરતા અહીં હથિયારના પાર્ટ બનાવવાનું લાયસન્સ હતું. જો કે, અહીં પરવાના ઉપરાંતના પાર્ટસ પણ બનાવવામાં આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. જેથી પોલીસે ફેકટરી માલિક કાનવ છાટબાર, મેનેજર સ્નેહલ હેડું તેમજ અશોક પ્રજાપતિ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી.
ફેકટરીમાં નવ એમએમ પિસ્તલના સ્પેરપાર્ટસ બનાવવાની કેન્દ્ર સરકારે મંજુરી આપી હતી. આ કંપની પાસે પિસ્તલના 13 જેટલા પાર્ટસ બનાવવાની મંજુરી હતી. એટલું જ નહીં અનેક દેશોમાં તેને મોકલવામાં આવતા હતા. જોકે પોલીસે ફેકટરીમાં વધુ તપાસ કરતા ફેક્ટરીમાં પહેલા માળે આવેલા સ્ક્રેપ રૂમમાંથી લાયસન્સ સિવાયના સ્પેરપાર્ટસ પ્લાસ્ટિકના અલગ અલગ કેરેટોમાંથી મળી આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પોલીસ તપાસ કરી રહીં છે કે અગાઉ આ ફેકટરીમાં ગેરકાયદેસર રીતે કેટલા પાર્ટ બનાવવામાં આવ્યા હતા, ગેરકાયદેસર હથિયારના પાર્ટ ક્યાં દેશમાં આપવામાં આવ્યા સહિતની તપાસ કરવામાં આવી રહી છે.