
રાહુલ ગાંધી 12 જૂને વાંસદામાં કોંગ્રેસની આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનુ સમાપન કરાવશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિનાઓ બાકી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીઓ પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ત્રણેય પક્ષોએ હાલ તો આદિવાસી બેઠકો કબજે કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમ આદમી પાર્ટીએ બીટીપી સાથે જોડાણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ કોંગ્રેસના રાહુલ ગાંધી નવસારીના વાસદામાં 12મી જુને સભા યોજાશે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની સભાને સફળ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લીધે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે પ્રચારના એક્શનમાં આવી ગયા છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં અવરજવર વધી રહી છે. ત્યારે આગામી 12મી જૂને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. રાહુલ ગાંધી નવસારીના વાંસદામાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું સમાપન કરાવશે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 12 જુને ગુજરાત આવશે. તેઓ વાંસદામાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનુ સમાપન કરાવશે. વાંસદાના ચારણવાડા ગામે રાહુલ ગાંધીની એક જાહેર સભાને સંબોધશે. જ્યાં આદિવાસી મતો અંકે કરવાનો પ્રયાસ કરશે. વાંસદાના ચારણવાડા ગામે દક્ષિણ ઝોનનો કાર્યક્રમ યોજાશે. અગાઉ દાહોદમાં આદિવાસી સત્યાગ્રહની શરૂઆત પણ રાહુલ ગાંધીએ જ કરાવી હતી. ચાર ઝોનમાં રાહુલ ગાંધીની ચાર સભાઓનું કોંગ્રેસે આયોજન કર્યું છે.ચૂંટણી ટાણે બિનસાપ્રદાયિક પાર્ટી ગણાતા કોંગ્રસ શહેરી વિસ્તારમાં મજબુત થવા પણ કમરકસી છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટામાં વિધાનસભાની આદિવાસી પ્રભૂત્વ ધરાવતી 40 બેઠકો છે. આ બેઠકો કબજે કરવા માટે કોંગ્રેસે આદિવાસી સત્યાગ્રહ શરૂ કર્યો છે. જેમાં સત્યાગ્રહ એપ બનાવીને આદિવાસી સમાજને તેમના પ્રશ્નોની નોંધણી કરીને સરકાર સામે બાંયો ચઢાવવાની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાહોદની રેલીમાં સત્યાગ્રહ એપને જાહેર કરી હતી. હવે કોંગ્રેસ આ વિસ્તારોમાં ચર્ચાઓ કરશે અને લોકોને રૂબરૂ મળીને તેમના પ્રશ્નોની જાણકારી મેળવશે.
પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા શહેરોમાં કોંગ્રેસને કેવી રીતે મજબૂત કરી શકાય તેનું મનોમંથન શરૂ કરવામાં આવ્યું છે. સંગઠનની કામગીરી 90થી 95 ટકા પૂર્ણ થવા જઈ રહી છે. સંગઠન બાદ ચૂંટણીની તૈયારી થશે. અમદાવાદ, રાજકોટ વડોદરા, અને સુરત સહિત મહાનગર અમે જીતી શકતા નથી. ત્યાં કેમ કાચા પડ્યા છીએ તે સંશોધનનો વિષય છે. રાહુલ ગાંધી સાથે વિવિધ સમાજો સાથે કેવી રીતે ડાયલોગ કરવો એ અંગે પણ ચર્ચા કરાઇ હતી. શહેરી વિસ્તારના લોકોની માનસિકતાને સમજવી જરૂરી છે.વોર્ડ લેવલથી લોકોની વચ્ચે જવાની જરૂર છે..