રેલવે દૂર્ઘટનાઃ પિતાની ઈચ્છા શક્તિથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્રનો જીવ બચ્યો, તંત્રએ મૃત માની લીધો હતો
નવી દિલ્હીઃ ઓડિશામાં ગમખ્વાર રેલવે દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 જેટલા પ્રવાસીઓના મૃત્યુ થયાં છે. તેમજ અનેક પ્રવાસીઓ ઈજાગ્રસ્ત છે. આ દૂર્ઘટનામાં પશ્ચિમ બંગાળના એક પ્રવાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ તેનું શરીર હલન-ચલન કરતું નહીં હોવાથી તંત્રએ તેને મૃત જાહેર કર્યો હતો. તેમજ તેને કામચલાઉ શબઘરમાં રાખવામાં આવ્યો હતો. બીજી તરફ યુવાનના મૃત્યુની વાત નહીં માનનાર તેના પિતા શબઘર પહોંચ્યાં હતા. તેમજ પોતાનો દીકરો જીવીત હોવાની દ્રઢઈચ્છા શક્તિ સાથે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબો તેનું મેડિકલ તપાસમાં ચોંકી ઉઠ્યાં હતા અને યુવાન જીવીત હોવાનું જણાવ્યું હતું. આ યુવાનની સારવાર કરનાર ડૉક્ટરે કહ્યું કે યુવાનાનું શરીર હલનચલન બંધ થઈ ગયું હશે, જેના કારણે લોકોએ વિચાર્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે.
આ સમગ્ર મામલો 24 વર્ષીય વિશ્વજીત અને તેના પિતા હેલારામ મલિક સાથે જોડાયેલો છે. ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પછી, વિશ્વજીતને મૃત માનવામાં આવ્યો હતો અને તેના મૃતદેહને બહાનાગા હાઇસ્કૂલમાં અસ્થાયી શબગૃહમાં રાખવામાં આવ્યો હતો. બીજી તરફ હાવડા જિલ્લાના રહેવાસી વિશ્વજીતના પિતા હેલારામ મલિક ઓડિશા અકસ્માત બાદ પુત્રને સતત ફોન કરી રહ્યા હતા. પરંતુ તેમનો પુત્ર સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. આ સ્થિતિમાં હેલારામ મલિક 253 કિલોમીટરની મુસાફરી કરીને ઓડિશાના બાલાસોર જિલ્લામાં પહોંચ્યા અને તેમના પુત્રને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તેમણે ઘણી હોસ્પિટલોમાં જઈને જોયું પણ તેનો પુત્ર મળ્યો ન હતો. ત્યારપછી તેઓ બહાંગા હાઈસ્કૂલમાં કામચલાઉ શબઘરમાં ગયા, જ્યાં તેમના પુત્રનો નિર્જીવ મૃતદેહ મળ્યો હતો. જો કે, તેમને ખબર પડી કે તેનો દીકરો હજી જીવતો છે.
હેલ્લારામ મલિક તેમના પુત્રને શબઘરમાંથી બહાર કાઢી બાલાસોર હોસ્પિટલમાં અને પછી કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં લઈ ગયા. વિશ્વજીતને હાડકામાં અનેક પ્રકારની ઈજાઓ થઈ હતી અને SSKM હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં તેની બે સર્જરીઓ થઈ હતી. SSKM હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે વિશ્વજીતનું શરીર હલનચલન બંધ થઈ ગયું હશે, જેના કારણે લોકોએ વિચાર્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે.
હેલારામે કહ્યું, ‘હું મારા પુત્રને પાછો મેળવવા માટે ભગવાનનો આભાર માનું છું. જ્યારે મેં સાંભળ્યું કે, વિશ્વજીતનું અવસાન થયું છે ત્યારે મારા મગજમાં શું ચાલી રહ્યું હતું તે હું સમજાવી શકતો નથી. હું એ સ્વીકારવા તૈયાર નહોતો કે તે હવે આ દુનિયામાં નથી અને તેને શોધતો રહ્યો હતો. વિશ્વજીતે કહ્યું હતું કે, ‘મને નવું જીવન મળ્યું છે. હું મારા પિતાનો ઋણી છું. તે મારા માટે ભગવાન છે અને તેમના કારણે જ મને આ જીવન પાછું મળ્યું છે. બાબા મારા માટે સર્વસ્વ છે.
વિશ્વજીત કોરોમંડલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો, જે 2 જૂને સાંજે 7 વાગ્યે એક માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી અને તેના મોટાભાગના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. તે જ સમયે પસાર થઈ રહેલી બેંગલુરુ હાવડા એક્સપ્રેસના કેટલાક કોચ પણ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કુલ 275 જેટલા મુસાફરોના મોત થયા હતા, જ્યારે 1,200થી વધુ લોકો ઘાયલ થયા છે.