અમદાવાદ રેલવે સ્ટેશનઃ કરંટ બુકિંગ અને રિઝર્વ બુકિંગ ટિકીટ કેન્સલેશન સુવિધાઓ કરાઈ શરૂ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે કોરોના ગાઈડલાઈન અનુસાર રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, રેલવે સ્ટેશન ઉપર ભીડ એકત્ર ના થાય તે માટે કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં હતા. જો કે, કોરોનાના કેસ ઘટતા હવે નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. હવે અમદાવાદ વિભાગ હેઠળ આવતા અમદાવાદ રેલવે સ્ટેશન સહિત 15 સ્ટેશનો ઉપર સોમવારથી કરંટ બુકિંગ અને રિઝર્વ બુકિંગ ટિકિટોના કેન્સલેશનની સુવિધા ઉપલબ્ધ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે અમદાવાદ વિભાગ હેઠળ આવતા રેલવે સ્ટેશનો ઉપર બુકિંગ અને ટિકીટ કેન્સલેશનની સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. માત્ર અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર જ સુવિધા પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જો કે, હવે મણિનગર, સાબરમતી(ધર્મનગર), મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર સોમવારથી શનિવારે સુધી સવારે 8 કલાકથી રાતના 8 વાગ્યા સુધી તથા રવિવારે સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ રદ કરી શકાશે. આ પછી મુસાફરો યુટીએસ કાઉન્ટર પરથી ટિકિટ રદ કરી શકશે અને કરંટ બુકિંગ સુવિધાનો લાભ લઇ શકશે. આ ઉપરાંત કલોલ, ઉંઝા, સિદ્ધપુર, ધ્રાંગધ્રાં, વિરમગામ, ડીસા, સામખ્યાલી, ભચાઉ અને ભીલડી સ્ટેશનો પર આ સુવિધા તમામ દિવસો પર સંપૂર્ણ સમય માટે ઉપલબ્ધ રહેશે.
કોરોના મહામારીને પગલે રેલ વ્યવહારને પણ વ્યાપક અસર પડી છે. જો કે, પ્રવાસીઓને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા તબક્કાવાર રેલ વ્યવહાર કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શરૂ કરવામાં આવ્યો હતો.