
રાજસ્થાનઃ પરશુરામ જ્યંતિ નિમિત્તે લગાવેલી ધ્વજાઓ લઘુમતિ કોમના યુવાનોએ ઉતારતા વિવાદ
નવી દિલ્હીઃ જોધપુરમાં લાઉડસ્પીકર પરનો હંગામો હજુ સમાપ્ત થયો નથી. હવે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે હિંસા થઈ છે. ઝંડા ઉતારવા મામલે બે કોમના ટોળા સામ-સામે આવી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસ ઉપર પમ તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 3 પોલીસ કર્મચારી અને ચાર પત્રકારો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત તોફાની ટોળાએ કેટલાક વાહનોને આગ ચાંપી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે ટીયર ગેસના શેલ પણ કર્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર જાલોરી ગેટ સર્કલ પાસે પરશુરામ જ્યંતિ નિમિત્તે લગાવવામાં આવેલા ભગવા ઝંડા કટ્ટરપંથીઓએ કાઢીને ઈદના તહેવારને લઈને ઝંડા લગાવતા તંગદીલી ફેલાઈ હતી. જેથી બંને કોમના ટોળા સામ-સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. પોલીસે બળ પ્રયોગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. જોધપુર શહેરમાં પથ્થરમારાની ઘટના બાદ જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ બપોરે 2 વાગ્યાથી શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. મંગળવારે બપોરે 1 વાગ્યાથી અનિશ્ચિત સમય માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ અશાંત વિસ્તારોમાં અને ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. ગેહલોતે મંગળવારે સવારે ટ્વીટ કર્યું, “જોધપુરના જલૌરી ગેટ પાસે બે જૂથો વચ્ચે અથડામણને કારણે તણાવ સર્જવો દુર્ભાગ્યપૂર્ણ છે. પ્રશાસનને દરેક કિંમતે શાંતિ અને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે. લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતા ગેહલોતે કહ્યું, “જોધપુર, મારવાડની પ્રેમ અને ભાઈચારાની પરંપરાનું સન્માન કરતી વખતે, હું તમામ પક્ષોને શાંતિ જાળવવા અને કાયદો અને વ્યવસ્થામાં સહકાર આપવા માટે હૃદયસ્પર્શી અપીલ કરું છું.”