
રાજકોટ ડિવિઝનની ટ્રેનો વરસાદને લીધે રદ કરાતાં 11 બસમાં પ્રવાસીઓને ગંતવ્ય સ્થાને પહોંચાડાયાં
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દ્વારકા, અને પોરબંદર સહિતના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહારને અસર પડી રહી છે. જેમાં રાજકોટ ડિવિઝનના ઓખા-ભાટિયા સેક્શનમાં ટ્રેક પર પાણી ભરાઈ જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ભાટિયા-ઓખામઢી અને ઓખામડી-ગોરીંઝાનો રેલવે ટ્રેક ધોવાઈ જતાં ટ્રેક મરામતની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. સાથે જ રેલવે દ્વારા ડિવિઝનના તમામ સ્ટેશનો પર મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ખંભાળિયાથી દ્વારકા અને ઓખા જવા માટેના મુસાફરો માટે વિભાગીય રેલવે વહીવટી તંત્ર દ્વારા 11 બસો મારફતે 655 મુસાફરોને સલામત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડાયા હતા.
સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા સહિતના જિલ્લામાં પડેલા ભારે વરસાદને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોને અસર પહોંચી છે. જેમાં ઓખી-ભાટિયા સેક્શનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જવાને કારણે કુલ 6 ટ્રેન રદ અને 1 ટ્રેન રિ-શિડ્યુલ કરવામાં આવી હતી. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ આ અંગે જરૂરી જાણકારી આપી હતી અને લોકોને પોતાની મુસાફરી નવા ટાઇમટેબલ પ્રમાણે પ્લાન કરવાની સલાહ આપી હતી. ટ્રેક મરામતનું કામ હજુ પણ ચાલુ હોવાથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ ડીઆરએમ ઓફિસ ખાતે આવેલા કંટ્રોલ રૂમ એલર્ટ પર છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિને કારણે બપોર બાદ વધુ કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અથવા રિ-શિડ્યુલ કરવામાં આવી હતી. એકાદ દિવસમાં ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ દોડતો થઈ જશે.
રાજકોટ ડિવિઝનના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વેરાવળથી ગુરૂવારે ઉપડનારી ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસને ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે. આમ આ ટ્રેન ખંભાળિયા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેમજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે. આમ આ ટ્રેન ખંભાળિયા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે. આ ઉપરાંત ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને ઓખાની જગ્યાએ ખંભાળિયાથી રવાના કરવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-ખંભાળિયા વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે. તેમજ રાજકોટથી રવાના થયેલી ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા સ્પેશિયલને કાનાલુસ સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે. આમ આ ટ્રેન કાનાલુસ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
રાજકોટ ડિવિઝનના ડીઆરએમ દ્વારા મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. તેમજ કોઈપણ મુશ્કેલી માટે 24 કલાક કાર્યરત રેલવે કંટ્રોલરૂમનો સંપર્ક કરવા પણ તેમણે અપીલ કરી છે. ઉપરાંત ટૂંક સમયમાં રેલ વ્યવહાર પૂર્વવત કરવાની ખાતરી પણ આપી હતી.