
રાજકોટ પોલીસ તોડકાંડઃ સીટનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાયો, હવે રિપોર્ટને આધારે પગલા ભરાશે
રાજકોટઃ શહેરનો ભારે ચર્ચાસ્પદ અને ટોક ઓફ સ્ટેટ બની ગયેલો રાજકોટ પોલીસના તોડકાંડ મામલે સત્તાધારી ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ ગૃહ વિભાગે ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળના સીટને તપાસ સોંપી હતી, આક્ષેપિતો અને ફરિયાદીના નિવેદનો પૂરા થયા બાદ આ મામલે DGP વિકાસ સહાયે દસ્તાવેજી પુરાવા પુરાવા સાથે 200 પાનાનો રિપોર્ટ પોલીસવડા આશિષ ભાટિયાને સોંપ્યો છે. હવે રિપોર્ટને આધારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને પાલીસ અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આરોપી પાસેથી વસૂલ થનારા રકમમાંથી કમિશન માગી ક્રાઇમ બ્રાંચે રૂ.75 લાખનો તોડ કર્યાનો ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. ત્યારબાદ આ મામલે ગૃહવિભાગે DGP વિકાસ સહાયને તપાસ સોંપી હતી.
રાજકોટના પોલીસ કમિશનર સામેના જે આક્ષેપો થયા હતા તેમાં તેની બે વખત પૂછપરછ કરવામાં આવી હતી અને છેલ્લે પોલીસ દ્વારા ફરિયાદીને રૂ.4.50 લાખ પાછા આપવાનો જે વીડિયો વાઇરલ થયો હતો તેની પણ તપાસ કરવામાં આવી હતી. જોકે હાલ તો તમામ કમિશનર સિવાયના પોલીસ અધિકારીઓના નામ ચમક્યા હતા તેમની બદલી કરવામાં આવી છે પરંતુ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું ભાવિ હવે સીટના રિપોર્ટ પર આધારિત છે.
સૂત્રોના વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપના ધારાસભ્ય અને સાંસદે જે આરોપો મૂક્યા હતા. આથી જ આ તપાસ કરવાની સરકારને ફરજ પડી હતી અને હવે આ રિપોર્ટ જાહેર કરાશે કે કેમ તે પણ પ્રશ્ન છે. માનવામાં આવે છે કે, ધારાસભ્ય અને સાંસદે પણ હવે આ પ્રકરણમાં મૌન સેવી લીધું છે અને સરકાર પગલાં ભરશે તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાલમાં આશિષ ભાટીયા સહિતના અધિકારીઓ સાથે પોલીસ ભવનમાં ચર્ચા કરી હતી અને સરકાર કોઈ તાત્કાલિક પગલા લેશે નહી તેવા સંકેત છે અને મામલો શાંત થવા દેશે તે વચ્ચે મનોજ અગ્રવાલને ગાંધીનગરમાં પોલીસ ભવનમાં કોઈ ડેસ્ક ડ્યૂટી સોંપી દેવાશે તેવી પણ ધારણા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ પોલીસ તોડકાંડમાં 15 કરોડની છેતરપિંડીના ફરિયાદી મહેશ સખિયા, તેનો પુત્ર કિશન, ભાઈ જગજીવન સખિયા સહિતના નિવેદનો નોંધાઈ ચૂક્યા છે. આ સિવાય પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, PI વી.કે. ગઢવી અને PSI સાખરાનું નિવેદન પણ નોંધાય ચૂક્યું છે. તેમજ ફરિયાદી અને પોલીસ વચ્ચે મધ્યસ્થી બનેલા ડો.તેજસ કરમટાનું પણ નિવેદન નોંધાઇ ચૂક્યું છે. છતાં આટલી ઢીલ શું કામ એ મોટો સવાલ ઉઠ્યો છે. આ મુદ્દે ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, સરકાર તપાસ કરી રહી છે. પરંતુ બીજી તરફ આટલા સમયે અને પૂરતા પૂરાવા પછી પણ કશું થતું નથી તો ભીનુ સંકેલાય જશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
તપાસનીશ અધિકારી વિકાસ સહાય દ્વારા 7 ફેબ્રુઆરીએ સતત 8 કલાક સુધી ફરિયાદી અને સાક્ષીની નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી હતી. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિરુદ્ધ થયેલા આક્ષેપ મામલે મુખ્ય ફરિયાદી મહેશ સખિયા, તેમના ભાઇ જગજીવન સખિયા, પુત્ર કિશન સખિયા અને એક સાક્ષીનું નિવેદન નોંધાવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સહાય તેમજ એક SP, એક PI અને રાઇટરની હાજરીમાં નિવેદન નોંધવામાં આવ્યા હતા. 8 કલાકના નિવેદનમાં જગજીવનભાઇનું 6 પેજમાં, મહેશભાઈનું 7 પેજમાં, કિશનનું 5 પેજમાં અને સાક્ષીનું પણ લગભગ 5 પેજમાં નિવેદન નોંધવામાં આવ્યું હતું.