નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025 : વર્ષ 2026 માં ભારતીય રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળશે. રાજ્યસભાની કુલ 73 બેઠકો વર્ષના અંત સુધીમાં ખાલી થવા જઈ રહી છે, જેના પર નવા સાંસદો ચૂંટાશે. એપ્રિલ, જૂન અને નવેમ્બર 2026 માં યોજાનારી આ ચૂંટણીઓ નક્કી કરશે કે ઉપલા ગૃહમાં સત્તાધારી NDA મજબૂત બનશે કે વિપક્ષ પોતાની તાકાત બતાવશે.
2026માં નિવૃત્ત થનારા નેતાઓની યાદીમાં દેશના અનેક કદાવર ચહેરાઓ સામેલ છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડા, શરદ પવાર, દિગ્વિજય સિંહ, શિબુ સોરેન અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી જેવા નામોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને નરહરિ અમીનનો કાર્યકાળ પણ પૂર્ણ થશે.
- આ રાજ્યમાં ખાલી થશે બેઠકો
આગામી વર્ષે એપ્રિલથી નવેમ્બર 2026 સુધીમાં 73 બેઠકો ખાલી થશે. એપ્રિલ 2026માં 10 રાજ્યોની રાજ્યસભાની 37 બેઠકો ખાલી થશે. બિહારની પાંચ, બંગાળની પાંચ, તેલંગાણાની 2, તમિલનાડુની 6, ઓડિશાની 4, મહારાષ્ટ્રની 7, હિમાચલની 1, હરિયાણાની 2, છત્તીસગઢની 2, અસમની 3 બેઠકો ખાલી થશે. જૂન 2026માં 10 રાજ્યોની 25 બેઠકો ખાલી થશે.
આંધ્રપ્રદેશની 4, ગુજરાતની ચાર, કર્ણાટકની ચાર, મધ્યપ્રદેશની 3, રાજ્યસભાની 3, ઝારખંડની 2, અરૂણાચલપ્રદેશની એક, મણિપુરની એક તથા મિઝોરમની એક બેઠક ખાલી થશે. આવી જ રીતે નવેમ્બર 2026માં ઉત્તરપ્રદેશની દસ અને ઉત્તરાખંડની એક બેઠક ખાલી થશે.
હાલમાં રાજ્યસભામાં NDA પાસે 129 અને વિપક્ષ પાસે 78 સાંસદો છે. ઉત્તર પ્રદેશની 10 બેઠકોમાંથી ભાજપને 7 અને સપાને 2 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ૧ બેઠક પર રસાકસી જામશે. બિહારમાં બદલાયેલા સમીકરણોમાં NDAને ૪ બેઠકો મળી શકે છે, જેના કારણે ઉપેન્દ્ર કુશવાહા અને જિતનરામ માંઝીની પાર્ટીઓ દબાણ વધારી રહી છે. જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ 6 બેઠકો જીતે તેવા અંદાજો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, જે 73 બેઠકો પર ચૂંટણી થવાની છે તેમાંથી હાલ 43 બેઠકો ભાજપ પાસે છે. 2026ની ચૂંટણી બાદ NDAની બેઠકો વધીને 48 સુધી પહોંચી શકે છે. જો આવું થશે, તો રાજ્યસભામાં સરકાર માટે કોઈ પણ વિવાદાસ્પદ કાયદા પસાર કરાવવા વધુ સરળ બનશે. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનો કાર્યકાળ પણ માર્ચ 2026માં પૂર્ણ થશે.


