1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આદિવાસીઓના આરાધ્ય માતા શબરી વિના રામાયણ અધૂરી: ભુપેન્દ્ર પટેલ
આદિવાસીઓના આરાધ્ય માતા શબરી વિના રામાયણ અધૂરી: ભુપેન્દ્ર પટેલ

આદિવાસીઓના આરાધ્ય માતા શબરી વિના રામાયણ અધૂરી: ભુપેન્દ્ર પટેલ

0
Social Share

અમદાવાદઃ રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લાના વાંસદાથી ભવ્ય શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વનબંધુ વિશ્વબંધુ બને એ માટે રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજના- 2.0હેઠળ 2023-24 ના વર્ષમાં રૂ. 47 હજાર કરોડની જોગવાઈ કરી છે. આદિજાતિઓના વિકાસની નવી પરિભાષા અંકિત કરવાના ધ્યેય સાથે નવસારી, ડાંગ, અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં કામગીરી આરંભી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ આ અભિયાનરૂપે ઉનાઈ માતા મંદિર પરિસરની સાફ-સફાઈ કરી હતી. તેમણે ઉનાઈ મંદિર પરિસરમાં રૂ. 1.76 કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત વન વિભાગની વિવિધ યોજનાકીય લાભો, સહાયના ચેકોનું વિતરણ આ યાત્રા પ્રારંભે કર્યું હતું.

તા.18 થી22 જાન્યુ. સુધીની 5 દિવસની આ વન સેતુ ચેતના યાત્રા ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા  અને બનાસકાંઠા એમ 13 જિલ્લાના 51 તાલુકાઓમાંથી પસાર થઈને ત્રણ લાખ આદિવાસી ભાઈઓ-બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ, વિકાસકાર્યોની ઝાંખી કરાવશે. વન સેતુ ચેતના યાત્રામાં ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કેવડાપ્રધાનના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા બે દાયકાથી મળી રહ્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટામાં વસતા રાજ્યના અભિન્ન અંગ સમાન આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ દ્વારા વિકાસની મુખ્યધારામાં લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે. 

મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો અને શબરી ધામ આદિવાસી અસ્મિતાના પ્રતિક હોવાનું જણાવી કહ્યું કે, શ્રી રામના પાવન પગલાં જે ભૂમિ પર પડ્યા એ ગુજરાતની ભૂમિ પર આપણને વિકસવા અને વસવા મળ્યું એ આપણું સૌભાગ્ય છે.  મહાભારતના પૌરાણિક કાળમાં ડાંગપ્રદેશનો દંડકારણ્ય નામે ઉલ્લેખ છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આદિવાસીઓના આરાધ્ય માતા શબરી વિના રામાયણ અધૂરી છે. શબરીજીના એંઠા બોર ખાઈને ભગવાન શ્રીરામે આદિજાતિ માતાના સ્નેહ, વાત્સલ્ય અને મમતાની અનુભૂતિ કરી હતી.

વન રક્ષક અને પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ વન સંપદાની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણમાં અગ્ર ભૂમિકા નિભાવી રહ્યો છે એમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આદિજાતિ બાંધવોના પ્રકૃતિ પ્રેમ અને વન્ય જીવો પ્રત્યેની સંવેદનાને બિરદાવી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું કે, વન સેતુ ચેતના યાત્રા રાજ્યના નાગરિકોમાં વન્ય જીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના જગાવશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને પવિત્ર ઉત્સવ દેશભરમાં ઉજવાશે તે સમગ્ર દેશવાસીઓ માટે વિકાસની દિપાવલી સમાન લોકોત્સવ બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.  આ પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ દિવસે જ આદ્યશક્તિ ધામ અંબાજીમાં વન સેતુ ચેતના યાત્રા પૂર્ણ થશે અને તે પણ વનવાસી વિસ્તારમાં વિકાસની નવી ઉર્જા-ચેતના જગાવશે એમ તેમણે કહ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code