
ગાંધીનગરમાં અડાલજના જગન્નાથજીના મંદિરેથી નીકળી રથયાત્રા, મુખ્યમંત્રીએ કરી પહિંદ વિધિ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. અડાલજના જગન્નાથજીના મંદિરેથી રથયાત્રાના પ્રારંભ પહેલા મુખ્યમંત્રીએ પહિન્દ વિધી કરાવી હતી. અને ભગવાનની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજી નગરની પરિક્રમાએ નિકળ્યા હતા. ભગવાનની રથયાત્રામાં શહેરના મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીના રથની પહિન્દ વિધી કરી ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. આ પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીના આશિર્વાદ સૌ ઉપર કાયમ વરસતા રહે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી. આ અવસરે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે, ગાંધીનગર એસપી વાસમશેટ્ટી રવિતેજા, મેયર મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડની વીડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી વીડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથના લોકેશન, પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને પોલીસ, મહાનગર પાલિકા તેમજ આઈસીટી ટીમના અધિકારીઓ જોડાયા હતા.