
રાજકોટઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા બેડી માર્કેટ યાર્ડ રવિ ફસલની ધૂમ આવક થઈ રહી છે. આમ તો રવિ સીઝન પૂર્ણ થઈ ગઈ છે. ખેડુતો ઘઉં, ચણા, મગફળી, એરંડા સહિત માલ વેચવા માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. બેડી યાર્ડ બહાર 8 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી. જેને પગલે યાર્ડનાં સત્તાધીશો દ્વારા કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે 1200 વાહનોને ક્રમવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો.ગુરૂવારે ફરી એકવાર ઘઉં-ચણાની 1-1 લાખ મણ જેટલી આવક થતા યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં ઘઉં અને ચણાનાં ઢગલા જોવા મળ્યા હતા.
રાજકોટના બેડી યાર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરૂવારે રાજકોટ માર્કેટયાર્ડ ખાતે ચણાની આવક અંદાજે 90 હજારથી 1 લાખ મણ થઇ હતી. જ્યારે ઘઉંની આવક 1 લાખથી 1 લાખ 10 હજાર મણ હતી. ઘઉં, ચણા તથા અન્ય જણસીઓ ભરેલા અંદાજે 1200થી વધુ વાહનો એકસાથે ખડકાતા યાર્ડ બહાર 8 કિલોમીટરની લાઇનો લાગી હતી. અંદાજે 1200 કરતા પણ વધારે વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ચણા, ઘઉં તથા અન્ય જણસીઓની ઉતરાઈ કરાવવામાં આવી હતી. દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે સ્ટાફ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરૂવારે હરાજીમાં ઘઉં લોકવન રૂ. 482થી 523 તથા ઘઉં ટુકડા રૂ. 498થી 566ના ભાવે વેચાયા હતાં. ઉપરાંત ચણાની મોટી આવક થતા 90 હજારથી 1 લાખ મણ ચણા ઠલવાયા હતા. જોકે જંગી આવક થતી હોવાને કારણે પીળા તથા સફેદ ચણાની વારાફરતી એકાંતરે હરાજી કરવામાં આવી રહી છે. જેમાં આજે પીળા ચણાની હરાજી થતા રૂ. 1100થી 1210નાં ભાવમાં સોદા પડ્યા હતા.
આ ઉપરાંત હરાજીમાં મગફળીનાં ભાવ જીણીના રૂ. 1105થી 1235 તથા જાડીના રૂ. 1085થી 1335 હતા. તો એરંડામાં 825 ક્વિન્ટલની આવકે ભાવ રૂ. 1015થી 1131 ભાવ હતા. લસણમાં 950 ક્વિન્ટલની આવકે ભાવ રૂ. 1225 થી 3110, ધાણામાં 1000 ક્વિન્ટલની આવકે રૂ.1311થી 1801 ભાવ બોલાયો હતો. જ્યારે ધાણીમાં 900 ક્વિન્ટલની આવકે ભાવ રૂ. 1450 થી 2351, જીરૂમાં 1100 ક્વિન્ટલથી આવકે ભાવ રૂ. 3550થી 4480 તેમજ કપાસ 2200 ક્વિન્ટલની આવકે ભાવ રૂ. 1270 થી 1595ના પડ્યા હતાં.