ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદીએ તમામને એલર્ટ મોડ પર રહેવાની આપી સૂચના – રાજ્યમાં રાહતકાર્યમાં ઉતરી સેના
- ચક્રવાત બિપરજોયને લઈને પીએમ એ તમામને એલર્ટ રહેવાની સૂચના આપી
- ગુજરાતમાં રાહતકાર્ય માટે સેના મેદાનમાં
અમદાવાદ- ગુજરાત રાજ્ય પર ચક્રવાત બિપરજોયનું જોખમ મંડળાઈ રહ્યું છે ત્યારે સતત પીએમ મોદી પણ રાજ્યની ખબર લઈ રહ્યા છે ત્યારે હવે પીએમ મોદીએ તમામ અધિકારીઓ અને ફોર્સને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે એટલું જ નહી રાજ્યમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે સેનાએ મોર્ચો સંભાળ્યો છે રાહતગીરીમાં સેના પણ મેદાનમાં ઉતરી છે.
ચક્રવાતને લઈને તૈયારીઓની સમીક્ષા કરવા માટે વિડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત સરકારને સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાની વ્યવસ્થા કરવા અને પાવર, ટેલિકોમ, આરોગ્ય જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું.
રાજ્યના કચ્છ જિલ્લામાં જખૌ બંદર નજીક ચક્રવાત ‘બિપરજોય’ના સંભવિત લેન્ડફોલના બે દિવસ પહેલા સત્તાવાળાઓએ મંગળવારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 30,000 લોકોને અસ્થાયી રીતે સલામાત સ્થળે ખસેડ્યા છે. હવે આ તુફાન બિપરજોય, જે ‘અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા’માં ફેરવાઈ ગયું છે, તે 15 જૂનની બપોરના સુમારે સૌરાષ્ટ્ર-કચ્છ અને આજુબાજુના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ઘણી ટીમો તૈયાર છે. આ સાથે સેનાના અધિકારીઓએ સિવિલ એડમિનિસ્ટ્રેશન અને એનડીઆએફ સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન કર્યું છે. સેનાએ વ્યૂહાત્મક સ્થળોએ પૂર રાહત ટીમોને તૈયાર રાખી છે.
આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બે કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના અનેક મંત્રીઓ અને સાંસદો, ધારાસભ્યો અને ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતા આઠ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે જ તમામ લોકોને એલર્ટ મોડમાં રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બિપરજોયને કારણએ ગુજરાતમાં રાજ્ય સરકાર લોકોને સુરક્ષિત રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ શ્રેણીમાં મંગળવાર સુધી રાજ્ય સરકાર દ્વારા 8 જિલ્લાના 37,000 થી વધુ લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા હતા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ પર મોટું એલર્ટ જાહેર કર્યું છે.