
- કચ્છમાં ભારતનું પ્રથમ જીઓપાર્ક બની શકે છે
- 75 ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી સાઇટ્સ કચ્છમાં સ્થિત છે
- આ જીયોપાર્કથી સ્થાનિક લોકોનું ઉત્કર્ષ પણ શક્ય બનશે
કચ્છ: રણ, દરિયો અને હવાઇ સીમા ધરાવતા સરહદી કચ્છ જીલ્લામાં સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિકોને ફરીથી સિદ્વિ હાંસલ થઇ છે જેના કારણે કચ્છમાં હવે ભારતનું પ્રથમ જીઓ પાર્ક બને તેવા સંજોગો બન્યા છે. ખાસ કરીને તો 75 ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી સાઇટ્સ કચ્છ જીલ્લામાં આવેલી છે.
તાજેતરમાં ધ યુરોપિયન એસોસિયેશન ફોર કન્સર્વેશન જિઓલોજીકલ હેરિટેજના નામાંકિત જર્નલમાં કચ્છની વિવિધ હેરિટેજ સાઇટ્સની વિગતો પ્રકાશિત કરવામાં આવી છે. કુદરતી ભૂસ્તરશાસ્ત્રીય સ્થળો તેમજ ભાવિ પેઢી માટેના સ્મારકોનું રક્ષણ કરવાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવા માટે પ્રયાસ હાથ ધરાયો હતો.
અહીંયા રસપ્રદ બાબત એ છે કે કચ્છની કેટલીક જીઓસાઇટ્સ જુરાસિક યુગની પણ છે. જો તેને જીયોપાર્ક જાહેર કરાય તો તે સ્થાનિકોના આર્થિક વિકાસમાં પણ મદદરૂપ સાબિત થશે. કારણ કે, તે એક પર્યટન સ્થળ બની શકે છે.
કચ્છ યુનિ.ના અર્થ અને એનવાયરમેન્ટ વિભાગ અનુસાર, આ 75 સાઇટ્સ 9 ભૌગોલિક મથકો હેઠળ જૂથ થયેલી છે. જે ભારતના પ્રથમ ભૌગોલિક ક્ષેત્ર તરીકે જાહેર કરી શકાય છે. આ જીઓપાર્કમાં લખપત કિલ્લો, માતાનો મઢ, ધોળાવીરા, માંડવી બીચ, ભુજીયા હિલ, ગંગેશ્વર મંદિર, ગઢશીશા બોક્સાઇટ ક્ષેત્ર જેવા અનેક ભૂસ્તરીય સ્થળો સમાવિષ્ટ છે.
યુનેસ્કો દ્વારા જીઓપાર્ક પ્રોગ્રામ અંતર્ગત જીયોપાર્કને માન્યતા અપાય છે. કચ્છની અંદર સૌથી વધારે ભૌગોલિક વૈવિધ્ય છે. કચ્છ એ એ એક ભૌગોલિક અભ્યાસ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. કચ્છના 75થી પણ વધારે ભૌગોલિક સ્થળોને જીયો પાર્કમાં સમાવેશ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.
વિશ્વના અનેક પૌરાણિક સ્થળ કરતાં પણ ખાસ ભૌગોલિક સ્થળો કચ્છમાં આવેલા છે. કચ્છના ભૌગોલિક સ્થળોને રક્ષિત કરીને તેનો વિકાસ કરવામાં આવે અને રોજગારી ઊભી કરવામાં આવે તેવો ઉદ્દેશ રહેલો છે.
(સંકેત)