
ડિગ્રી એન્જિનિયરિંગમાં 66 હજારથી વધુ બેઠકોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ, નવા 11 કોર્ષ ઉમેરાયાં
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ હવે એન્જિનિયરીંગની જુદીજુદી વિદ્યાશાખામાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ શરૂ કરાયો છે. ડિગ્રી એન્જિનિયરીંગની વિદ્યાશાખાઓમાં 66 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ હોવાથી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહેશે, આ વર્ષે બાયોલોજીના નવા 11 કોર્ષ ઉમેરવામાં આવ્યા છે. 30મી જુન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ હવે ACPC (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ) દ્વારા એન્જિનિયરિંગ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગઈકાલથી એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. જેના માટે 30 જૂન સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યાર બાદ મોક રાઉન્ડ અને પ્રવેશનો પ્રથમ રાઉન્ડ ફાળવવામાં આવશે.CBSE બોર્ડના વિદ્યાર્થીઓ હોલ ટિકિટના આધારે રજિસ્ટ્રેશન કરાવી શકશે. 30 જૂન સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે ત્યાર બાદ જુલાઈના બીજા અઠવાડિયામાં મોક રાઉન્ડ જાહેર થશે, બાદ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. ગત વર્ષે 66300 બેઠકો ઉપલબ્ધ હતી ત્યારે આ વર્ષે AICT દ્વારા 600 નવી બેઠક ઉમેરવામાં આવશે અને કેટલીક બેઠક રદ કરવામાં આવશે. આ વર્ષે નવા કોર્ષ પણ ઉમેરવામાં આવ્યા છે. જેમાં બાયોલોજીના 11 કોર્ષ ઉમેરવામાં આવ્યા છે જેથી તે માટે પણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે કુલ 66,328 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાંથી 35,499 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, 30,829 બેઠકો ખાલી રહી હતી. આ વર્ષે પણ અંદાજે 35,000 જેટલી બેઠકો ખાલી રહે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે બેઠકો ઘટવા છતાં બે નવી કોલેજોમાં કેટલાક કોર્ષ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હોવાથી એ બેઠકો માટે પણ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં અમદાવાદમાં આવેલો GLS યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જી. તેમજ અમદાવાદમાં આવેલી અનંત નેશનલ યુનિવર્સિટીમાં બી.ટેક. ઈન કલાઈમેટ ચેંજના વિષયમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય AICTE ની મંજૂરીની અપેક્ષાએ નવા કોર્ષમાં 600 જેટલી બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે.
એડમિશન કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રવેશ લેવા ઈચ્છતા CBSE, ISCE, NIOS અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડની માર્કશીટના બદલે બોર્ડની પરીક્ષાની હોલ ટીકીટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 જુને પૂર્ણ થશે, ત્યારબાદ ગુજકેટ આધારિત પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ 6 જુલાઈએ જાહેર કરાશે. ત્યારબાદ 11 જુલાઈ સુધીમાં મોક રાઉન્ડ યોજાશે. 14 જુલાઈએ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે સાથે જ ગુજકેટ આધારિત મેરીટ લીસ્ટ પણ જાહેર થશે. 25 જુલાઈએ પહેલા રાઉન્ડનું એલોટમેન્ટ બાદ 28 જુલાઈથી શૈક્ષણિક સત્રની શરૂઆત થશે તેમજ આગળના રાઉન્ડની પ્રક્રિયા પણ હાથ ધરાશે.