1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં 25 સોસાયટીના રહિશો કરશે મતદાનનો બહિષ્કાર, પીવાનું પાણી નહીં તો મત નહીં
રાજકોટમાં 25 સોસાયટીના રહિશો કરશે મતદાનનો બહિષ્કાર, પીવાનું પાણી નહીં તો મત નહીં

રાજકોટમાં 25 સોસાયટીના રહિશો કરશે મતદાનનો બહિષ્કાર, પીવાનું પાણી નહીં તો મત નહીં

0
Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થયા બાદ પ્રચાર કાર્યમાં વેગ આવી રહ્યો છે. જે તે પાર્ટીના ઉમેદવારો મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મતદારો પણ પાંચ વર્ષે મતદાનનો આવો એક જ વાર અવસર આવતો હોવાથી પોતાની સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોય તો વિરોધ કરે એ સ્વાભાવિક છે. પરંતુ શહેરના મોટામવા વિસ્તારની 25 સોસાયટીના લોકોએ રસ્તા પર ઉતરી ને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરૂષો પણ એકઠા થયા હતા. લોકોએ ‘પીવાનું પાણી નહીં તો મત નહીં, રાજકીય પક્ષોએ આવવું નહીં’ના બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ 25 સોસાયટીમાં 20 હજાર મતદારો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ નાછૂટકે રસ્તા પર ઉતરી આવવું પડ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મોટા મવા વિસ્તારની 25 જેટલી સોસાયટીના રહિશોએ એકત્ર થઈને ‘હમારી માંગે પૂરી કરો પૂરી કરો, અમને પાણી પૂરું પાડું, નેતા ખુરશી ખાલી કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓમાં પીવાના પાણીને લઈને આક્રોશ જોવા મળ્યો હતો. જો તંત્ર દ્વારા આ સોસાયટીના લોકોની સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો કોઈ પણ મતદાન કરશે નહીં તેવો નિર્ણય લોકોએ કર્યો છે. તેમજ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.સ્થાનિક રહિશોએ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે, નથી કોઈ પાણીની વ્યવસ્થા, નથી રોડની વ્યવસ્થા, કચરાની ગાડી પણ સમયસર આવતી નથી. એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં ચાર-ચાર વર્ષથી સ્ટ્રીટ લાઈટ નથી, અરજીઓ પણ કરી છે, રાત્રે ચાલવું કેવી રીતે. આ વિસ્તાર સાથે ઓરમાયુ વર્ત કરવામાં આવી રહ્યું છે.

મોટામવાની આંગણ ગ્રીન સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે, અમે અહીં છેલ્લા 10 વર્ષથી રહિએ છીએ. અમે પ્રાથમિક સુવિધાઓ માટે જે-તે તંત્રને અવારનવાર રજૂઆત કરી છે તેમ છતાં અમારી રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી. આ વિસ્તારમાં દર મહિને બેથી અઢી હજારનું પાણી વેચાતું લેવું પડે છે. આવડી મોટી સમસ્યાનું મેયર અને મ્યુનિ.ના કોર્પોરેટને ધ્યાન દોર્યું હોવા છતાં આજદિન સુધી જવાબ આપ્યો નથી. આથી અમે નિર્ણય કર્યો છે કે, આ વખતે તંત્રને હરકતમાં લેવા માટે મતદાનનો બહિષ્કાર કરીએ છીએ. અમને જ્યાં સુધી પાણી આપવાની ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમારો બહિષ્કાર ચાલુ રહેશે. મોટામવાની 25 સોસાયટી છે અને 20 હજાર મતદારો છે. આગળનો કાર્યક્રમ પણ ગાંધીચિંધ્યા માર્ગે ચાલુ જ રહેવાનો છે જ્યાં સુધી અમારી સમસ્યા હલ ન થાય ત્યાં સુધી લડત આપીશું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code