
ગુજરાતમાં એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનો સંકલ્પ : રાજ્યપાલ
ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં 9,35,000 ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં ગુજરાતમાં વધુ દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનો સંકલ્પ છે. ચાલુ ખરીફ સીઝનમાં નવા 18,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
પ્રાકૃતિક કૃષિ માટે કાર્યરત ઉચ્ચ અધિકારીઓ અને સંયોજકોની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કેન્દ્રીય બજેટ સ્પીચમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ભારત સરકારનું લક્ષ્ય જાહેર કર્યું તેમ, બે વર્ષમાં દેશમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવાના લક્ષ્યાંકને પાર પાડવા આપણે ગુજરાતમાં દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના છે.
પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાજ્યમાં 5,000 થી વધુ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. ખેતીમાં ખંતથી કામ કરતી મહિલાઓને પ્રાકૃતિક કૃષિ સખી તરીકે તૈયાર કરવા પાંચ દિવસની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવી રહી છે. આ મહિલાઓ પોતપોતાના ગામોમાં અન્ય મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ તાલીમને વધુ વેગવાન અને પ્રભાવક બનાવવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની અને પ્રાકૃતિક કૃષિ સંયોજક સંગઠનના સંયુક્ત ઉપક્રમે રાજ્યના 33 જિલ્લાઓમાં 12,690 પ્રાકૃતિક કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની પાંચ દિવસની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવી રહી છે.
કૃષિ વિભાગના એક અધિકારી અને પ્રાકૃતિક કૃષિમાં નિષ્ણાત ખેડૂત; એમ બે વ્યક્તિઓની ટીમને પાંચ-પાંચ ગામની જવાબદારી સોંપવામાં આવી છે. ખેડૂતોને તેમના ગામમાં જઈને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રત્યેક ગામમાં એક ખેડૂત પ્રાકૃતિક ખેતીનું ‘મોડેલ ફાર્મ’ તૈયાર કરે એ દિશામાં યુદ્ધસ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં ચાલુ વર્ષથી પ્રાકૃતિક કૃષિનો વિધિવત અભ્યાસ શરૂ થઈ રહ્યો છે. આ યુનિવર્સિટી સાથે સંલગ્ન બે કોલેજો કાર્યરત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર પ્રવેશ મેળવી રહ્યા છે. (File photo)