સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ માટે વિશ્રામગૃહ બનાવવામાં આવશે
- વિશ્રામગૃહ બનાવવા માટે અમદાવાદના સેવાદાન ફાઉન્ડેશનને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025: Rest houses for relatives રાજ્યની ૧૪ સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવા માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે. આ વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીએ કેબીનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ માહિતી પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી હતી.
ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, પોતાના સ્વજનોની સારવાર માટે દૂરનાં ગામોમાંથી સરકારી જનરલ-સિવિલ હોસ્પિટલ ખાતે આવતા અનેક નાગરિકોને શહેરોમાં રહેવા-જમવાની સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી. દર્દીઓના સગા-સંબંધીઓની આ સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને મુખ્યમંત્રીએ તેમના માટે રહેવા-જમવાની સુવિધાઓ ધરાવતા વિશ્રામગૃહ બનાવવાનો સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. જે અંતર્ગત સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા કુલ ૧૪ જેટલી સરકારી સિવિલ-જનરલ હોસ્પિટલો ખાતે રેન બસેરા-વિશ્વામ ગૃહ બનાવવામાં આવશે.
કયાં ગામોમાં આ સુવિધા ઉપલબ્ધ થશે?
મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં પોરબંદર, ગોધરા અને મોરબી-GMERS જનરલ હોસ્પિટલ ખાતે, લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામખંભાળીયા, આણંદ, બોટાદ અને મોડાસા જનરલ હોસ્પિટલ ખાતે તથા જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે આરામદાયક વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સંવેદનશીલ નિર્ણયથી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા સંબંધીઓને સ્વચ્છ આરામદાયક રૂમો, શુદ્ધ ભોજન અને પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ રેન બસેરા સંપૂર્ણપણે લોકહિતના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવશે, જેથી ગરીબ અને દૂરના વિસ્તારોમાંથી સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનોને મોટી રાહત મળશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


