રશિયા અને યુક્રેન વચ્ચે તુર્કીમાં થઈ શકે છે મંત્રણા – લાંબા દિવસો બાદ યુદ્ધ શાંત પડવાની આશા
- રશિયા-યુક્રેન યુદ્ધ પડી શકે છે શાંત
- તુર્કીમાં બન્ને દેશો કરશે વાતચીત
દિલ્હીઃ- છેલ્લા 1 મહિનાથીસપણ વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, રશિયા દ્રારા સતત યુક્રેન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ યુદ્ધ શાંત પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.છેલ્લા 32 દિવસથી સંઘર્ષમાં રહેલા રશિયા અને યુક્રેન ટૂંક સમયમાં તુર્કીમાં શાંતિ મંત્રણા કરી શકે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બંને પક્ષો આ અઠવાડિયે વાતચીત કરવા સંમત થયા છે. આ બેઠક 28 થી 30 માર્ચની વચ્ચે યોજાય તેવી શક્યતા છે. આ માહિતી યુક્રેનના રાજનેતા ડેવિડ અરખામિયાએ ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી. જો કે, બંને પક્ષોએ અગાઉ પણ ઘણી વખત વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર મુદ્દા પર સહમતિ બની નથી.
રશિયા તરફથી વાતચીત કરનાર વ્લાદિમીર મેડિન્સકીએ પુષ્ટિ કરી છે કે આગામી શાંતિ વાર્તા તુર્કીમાં યોજાશે. તેમણે કહ્યું કે મંત્રણા મંગળવાર 29 માર્ચથી શરૂ થશે અને બુધવારે 30 માર્ચના રોજ સમાપ્ત થશે. તુર્કીના રાષ્ટ્રપતિ રઝબ તૈયબ એર્દોગને કહ્યું કે બંને દેશો વચ્ચે 6માંથી 4 મુદ્દા પર સમજૂતી થઈ છે.
ઉલ્લેખનીય છે કે આ બંને દેશો વચ્ચેના યુદ્ધનો આજે 33મો દિવસ છે અને યુક્રેનના શહેરો પર રશિયાના સતત હુમલાઓ ચાલુ છે. એવા સમાચાર મળી રહ્યા છે કે રશિયા હવે ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રદેશો પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ બે પ્રદેશોને સામૂહિક રીતે ડોનબાસ પ્રદેશ કહેવામાં આવે છે.


