અમદાવાદ સાબર ક્રાઈમ બ્રાન્ચે મનાલીથી ડ્રગ્સના કેસના આરોપી રશિયન નાગરિકને દબોચી લીધો
અમદાવાદઃ દેશના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરીમાં સંડાવાયેલા અને ડુપ્લીકેટ વિઝા બનાવીને વિવિધ વિસ્તારોમાં રહેતા રશિયન નાગરિકને મનાલીથી અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો.
અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ડુપ્લિકેટ વિઝા બનાવીને દેશમાં રહેતા રશિયન નાગરિકને ઝડપી લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વિદેશથી મંગાવવામાં આવેલા 20 પેકેટ ડ્રગ કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા એક રશિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. 20 પાર્સલમાંથી એક પાર્સલ આરોપીની કબુલાત કરી છે. આરોપી છેલ્લા 3 વર્ષથી દેશમાં ગેરકાયદેસર રીતે રહીને દેશભરના એરપોર્ટનો ઉપયોગ કરી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. આરોપીએ ડ્રગ્સના વેપાર માટે હિન્દી પણ શીખીને ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો હતો. શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીની મનાલીથી ધરપકડ કરી હતી..
સૂત્રોના જમાવ્યા મુજબ આરોપી એવા રશિયન નાગરિકના વર્ષ 2020ના જુલાઈમાં વિઝા પૂરા થઈ ગયા હતા તેમ છતાં તે ત્રણ વર્ષથી ખોટી રીતે રહીને ડ્રગ્સનો કારોબાર કરતો હતો.આરોપી ફોરેન પોસ્ટ ઓફિસમાં ડ્રગ્સ મંગાવીને ગોવા મોકલતો હતો. આરોપી દરેક પાર્સલ ઉપર 100 ડોલર કમાતો હતો. આરોપી ગોવામાં રહીને એક ગેંગ ચલાવે છે. જેમાં અન્ય વિદેશી નાગરિકો પણ સામેલ છે. આરોપી વિદેશથી દેશમાં અલગ અલગ સ્થળો જેવા કે અમદાવાદ,જયપુર, મુંબઈ, કલકત્તા, દિલ્હી અને હિમાચલમાં ડ્રગ્સ મંગાવીને ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગોવા મોકલી દેતો હતો.જે જગ્યાએ ડ્રગ્સ આવવાનું હોય ત્યાં પેહલાથી હોટેલમાં રોકાઈને પાર્સલ લઈ લેતો હતો.આરોપી સુરતમાં 22 જુલાઈ ના રોજ રોકાયો હતો. હાલ તો એક જ પાર્સલની તપાસ થઈ છે ત્યારે અન્ય 19 પાર્સલ બાકી છે. ગોવામાં બેસીને ડ્રગ્સનો કારોબાર ચલાવી રહેલા અન્ય વિદેશી નાગરિકોને પકડવા સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ માદક પદાર્થો અને અલગ અલગ ગુનાઓની તપાસમાં હતી તે દરમિયાન શકમંદ ઇસમ હાલ મનાલી, હીમાચલ પ્રદેશ ખાતે હોવાની બાતમી મળી હતી. સાયબર ક્રાઈમે ત્યાં તપાસ કરતા શકમંદ ઇસમ (નામઃ KOLESNIKOV VASILII મુળ રશિયા) હિમાચલ પ્રદેશના મનાલી ખાતેથી ઝડપાયો હતો. જેની પુછ-પરછ દરમિયાન સાયબર ક્રાઈમને જાણવા મળ્યું હતું કે આ આરોપી તેના વિઝા પુર્ણ થયા બાદ વગર વિઝાએ ભારતમાં અલગ અલગ નામોની ઓળખ આપી અલગ અલગ સ્થળે રોકાતો હતો. આ ઇસમના કબજામાથી ભારતનું આધાર કાર્ડ તથા તેના પોતાના ફોટો વાળા જુદા-જુદા નામના 6 નકલી ઇ-વિઝા અને બે પાસપોર્ટ મળી આવતાં જે ડોક્યુમેન્ટ આ ઇસમ દ્વારા ગેરકાયદેસર રીતે મેળવીને બનાવી તેનો દુરુપયોગ કરી કોઇ કાવતરું કરવાનો હોય તેવું જણાયું હતું.આરોપીનો પાસપોર્ટ અસલી છે કે નકલી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રશિયન નાગરિક સામે ખોટા દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવા બાબતે સાયબર ક્રાઇમ બ્રાંચ ખાતે ગુનો દાખલ કર્યો હતો જેની તપાસ હાલમાં ચાલુ છે. આરોપીએ એન્જિનિયરીંગનો અભ્યાસ રશિયા ખાતેથી સને-2011માં પુર્ણ કર્યો છે. ટુરીસ્ટ વીઝા ઉપર ભારત આવ્યા બાદ સને 2020થી દેશમાં ગેરકાયદેસર રીતે રોકાયો છે.તે કોઇ કામધંધો કરતો નથી અને કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યો હોવાની શક્યતા છે.આ આરોપી વિરુધ્ધ 2021માં મુબઇના વરલી પોલીસ સ્ટેશન ખાતે પ્રતિબંધિત વિસ્તારમાં ફોટોગ્રાફી તથા અનઅધિકૃત પ્રવેશ કરવા બાબતે ગુનો દાખલ થયેલો છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

