
મોરબી દૂર્ઘટના અંગે રશિયાના રાષ્ટ્રપતિ યુતિને દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુજરાતના મોરબી શહેરમાં પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 100થી વધારે લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશમાં પુતિને કહ્યું, “માનનીય રાષ્ટ્રપતિ, માનનીય વડા પ્રધાન, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં થયેલા દુ:ખદ પુલ અકસ્માત પર મારી સંવેદના સ્વીકારો.”
રશિયન સમાચાર એજન્સી અનુસાર, પુતિને અકસ્માતમાં જીવ ગુમાવનારા પીડિતોના પ્રિયજનો અને મિત્રો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.. તેમણે તમામ ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી. રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, ‘ગઈકાલે મોરબીમાં ભયંકર દુર્ઘટના બની હતી! મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો, વડા પ્રધાન મોદી અને ભારત અને ગુજરાતના તમામ લોકો પ્રત્યે ઊંડી સંવેદના! હું ઘાયલોને ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું!’
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ પણ મોરબીમાં બ્રિજ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. પીએમ દેઉબાએ કહ્યું, ‘ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુર્ઘટનામાં અમૂલ્ય જાન ગુમાવવા બદલ અમે ભારત સરકાર અને ભારતના લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.