
યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીમાં 137 વ્યક્તિઓના મોત, 300થી વધારે ઈજાગ્રસ્ત
નવી દિલ્હીઃ રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કી લાચાર જોવા મળી રહ્યાં છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ પણ હાથ અધ્ધર કરી લીધા છે. જેથી જેલેંસ્કીએ કહ્યું કે, રશિયા સાથેની લડાઈમાં અમને એકલા છોડી દેવાયાં છે. તેમણે દાવો કર્યો છે કે, રશિયાના હુમલામાં યુક્રેનના 137 લોકોના મોત થયાં છે. જ્યારે 317 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
દરમિયાન પૂર્વ હેવીવેટ બોક્સિંગ ચેમ્પિયન વિટાલી ક્લીટસચકો આ જંગમાં યુક્રેન તરફથી લડે તેવી શકયતા છે. બીજી તરફ યુક્રેનના દક્ષિણ-પૂર્વીય બોર્ડર પોસ્ટ ઉપર રશિયાની મિસાઈલ આવીને પડી હતી. હુમલામાં સૈનિકોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. યુક્રેનના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કીવમાં સવારથી લગભગ છ જેટલા ધમાકા થયાં છે. આ ધમાકા ક્રુજ અને બેલિસ્ટિક મિસાઈલથી કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહી દરમિયાન રશિયાના એક વિમાનને તોડી પડાયાના દાવો કરવામાં આવ્યો છે.
કીવમાં હાલાત ગંભીર હોવાનું જાણવા મળે છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે વધુ બે રશિયન એરક્રાફ્ટ તોડી પાડવામાં આવ્યાં છે. યુક્રેનના રક્ષામંત્રીએ દાવો કર્યો હતો કે, રશિયાના 7 એરક્રાફ્ટ, છ હેલિકોપ્ટર અને 30 ટેન્કને નષ્ટ કરવામાં આવ્યાં છે.
યુક્રેનના શહેર કોનોટોપને પણ રશિયાની સૈન્યએ ઘેરી લીધું છે. તેમજ રશિયન સૈન્ય કીવ તરફ આગળની તરફ વધી રહ્યું છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવાર રશિયા હુમલાને લઈને સૌથી ખરાબ દિવસ બની શકે છે. યુક્રેન ઉપર હુમલાના વિરોધમાં રશિયાના વિવિધ શહેરોમાં પ્રદર્શન ચાલી રહ્યાં છે. રશિયા પોલીસે યુક્રેન સામે હુમલાનો વિરોધ કરનારા 1700 દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે.