
મુંબઈઃ જાણીતા ઉદ્યાગપતિ અને સહારા ઈન્ડિયાના પ્રમુખ સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું છે. તેમણે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
દેશના જાણીતા ઉદ્યોગપતિ સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું છે. સુબ્રત રોયનો જન્મ 10 જૂન, 1948ના રોજ બિહારના અરરિયા જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ સુધીર ચંદ્ર રોય અને માતાનું નામ છવી રોય હતું. કોલકાતામાં પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેમણે ગોરખપુરની સરકારી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. સુબ્રત રોયે પોતાનો પહેલો બિઝનેસ ગોરખપુરથી જ શરૂ કર્યો હતો. સુબ્રતના પરિચિતોનું કહેવું છે કે તેઓ શરૂઆતથી જ અભ્યાસમાં નબળા હતા. તેમનું મન વાંચન કરતાં અન્ય બાબતોમાં વધુ કેન્દ્રિત હતું. એક નાના શહેરમાંથી પોતાનો બિઝનેસ શરૂ કરનાર આ વ્યક્તિએ 36 વર્ષમાં દુનિયાભરમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો. 1978માં સહારા શરૂ કરતી વખતે સુબ્રત રોયના ખિસ્સામાં માત્ર 2,000 રૂપિયા હતા. સુબ્રતને 70ના દાયકાથી ઓળખતા લોકો કહે છે કે તે સમયે તેઓ ગોરખપુરમાં સ્કૂટર પર ફરતા હતા. તે સમયે રોજના 100 રૂપિયા કમાતા લોકો તેમની પાસે 20 રૂપિયા જમા કરાવતા હતા. સુબ્રત રોયે સ્વપ્ના રોય સાથે પ્રેમ લગ્ન કર્યા છે. તેમની સાથે સ્કૂલ અને કૉલેજમાં ભણેલા લગભગ 100 મિત્રો પણ સુબ્રત રોય સાથે કામ કરે છે.
સુબ્રત રોયે જીન્દગીમાં ઘણા ઉતાર-ચઢાવ પાર કર્યા હતા. પટના હાઈકોર્ટમાં સહારા ઈન્ડિયા વિરુદ્ધ ઘણા વર્ષોથી લોકોના પૈસા ન ચૂકવવા બદલ કેસ ચાલી રહ્યો છે. લોકોએ આ પૈસા કંપનીની ઘણી યોજનાઓમાં રોક્યા હતા પરંતુ બાદમાં સહારાશ્રીને આ મામલે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તરત જ સુનાવણી કરીને પટના હાઈકોર્ટના ધરપકડના આદેશ પર રોક લગાવી દીધી હતી. તેમજ તેમની સામે આગળની કોઈપણ કાર્યવાહી અંગે યથાસ્થિતિ જાળવી રાખવાના આદેશો આપ્યો હતો. સુબ્રત રોય સામે પણ આવો જ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ઓતે જામીન પર બહાર હતા. તે જ સમયે, રોકાણકારોના પૈસા પરત કરવા અંગે સહારા ઈન્ડિયાનો દાવો છે કે તેઓ આખી રકમ સેબીમાં જમા કરાવી ચૂક્યા છે.