બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગે લહેરાવ્યો તિરંગો,ઈન્ડોનેશિયા ઓપન જીતીને રચ્યો ઈતિહાસ
મુંબઈ : બેડમિન્ટનમાં ભારતીય ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયા ઓપન વર્લ્ડ ટૂર સુપર-1000 ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. રવિવારના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં સાત્વિક-ચિરાગે મલેશિયાના એરોન ચિયા અને વુઈ યીક સોહને 21-17, 21-18થી હરાવ્યા હતા. વિશ્વ ચેમ્પિયન જોડી સામે સાત્વિક-ચિરાગની આ પ્રથમ જીત હતી.
વિશ્વ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને રહેલી ભારતીય જોડી પ્રથમ વખત સુપર-1000 ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. સાત્વિક-ચિરાગ સુપર-1000 ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી બની ગઈ છે. સાત્વિક-ચિરાગે સેમિ ફાઇનલમાં કોરિયન જોડી મિન હ્યુક કાંગ અને સેઉંગ જે સિઓને 17-21 21-19 21-18થી હરાવી ટાઇટલ મેચમાં જગ્યા બનાવી હતી.
આ વર્ષે સ્વિસ ઓપન સુપર સિરીઝ 300 ટુર્નામેન્ટમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. સાત્વિક-ચિરાગે વર્ષ 2022માં કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલ સહિત 3 ટાઇટલ જીત્યા હતા. બંનેએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. સાત્વિક પણ તાજેતરના સમયમાં ઇજાઓથી પરેશાન છે અને તેને ફેબ્રુઆરીમાં યોજાયેલી એશિયન મિક્સ્ડ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર રહેવું પડ્યું હતું.