1. Home
  2. ગુજરાતી
  3. ઈસ્લામિક વિશ્વ પર વર્ચસ્વનો જંગ એટલે શિયાપંથી ઈરાન અને સુન્નીપંથી સાઉદી અરેબિયાની દુશ્મની
ઈસ્લામિક વિશ્વ પર વર્ચસ્વનો જંગ એટલે શિયાપંથી ઈરાન અને સુન્નીપંથી સાઉદી અરેબિયાની દુશ્મની

ઈસ્લામિક વિશ્વ પર વર્ચસ્વનો જંગ એટલે શિયાપંથી ઈરાન અને સુન્નીપંથી સાઉદી અરેબિયાની દુશ્મની

0
  • ઈરાન-સાઉદી વિવાદ ઈસ્લામિક વિશ્વમાં વર્ચસ્વના જંગના આંટાપાટા
  • સાઉદીના ઓઈલ પ્રતિષ્ઠાનો પર હુમલો યુદ્ધની શક્યતાઓ વધારનારો
  • અમેરિકા પણ લઈ રહ્યું છે મધ્ય-પૂર્વના સંઘર્ષમાં ઊંડાણપૂર્વકનો રસ

સાઉદી અરેબિયા અને ઈરાનની વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો છે. બંને દેશ લાંબા સમયથી એકબીજાના પ્રતિસ્પર્ધી છે. પરંતુ તાજેતરમાં તેમની વચ્ચે કડવાશમાં વધારો થયો છે.

આ બંને શક્તિશાળી ઈસ્લામિક દેશો વચ્ચે લાંબા સમયથી પ્રાદેશિક પ્રભુત્વ માટે ખેંચતાણ ચાલી રહી છે.

દશકાઓ જૂના આ સંઘર્ષના કેન્દ્રમાં ધર્મ પણ છે. બંને ઈસ્લામિક દેશ છે. ઈરાન શિયાપંથી અને સાઉદી અરેબિયા સુન્નીપંથી છે.

લગભગ આખા મધ્યપૂર્વમાં આ ધાર્મિક વિભાજન જોવા મળે છે. અહીંના દેશોમાં કેટલાક શિયા બહુલ છે, તો કેટલાક સુન્ની બહુલ છે. સમર્થન અને સલાહ માટે કેટલાક દેશ ઈરાન તરફ અને કેટલાક દેશ સાઉદી અરેબિયા તરફ જોવે છે.

ઐતિહાસિક રીતે સાઉદી અરેબિયા રાજતંત્ર છે. સુન્ની પ્રભુત્વવાળું સાઉદી ઈસ્લામનું જન્મસ્થાન છે અને ઈસ્લામિક દુનિયાની સૌથી મહત્વપૂર્ણ જગ્યાઓ પણ ધરાવે છે. તેથી તે ખુદને ઈસ્લામિક વિશ્વના નેતા તરીકે જોવે છે.

જો કે તેને 1979માં ઈરાનમાં થયેલી ઈસ્લામિક ક્રાંતિથી પડકાર મળ્યો. આનાથી ઈરાન આ ક્ષેત્રમાં એખ નવા પ્રકારનું રાજ્ય બન્યું- એક પ્રકારે ક્રાંતિકારી ધર્મતંત્રવાળી શાસન પ્રણાલી. તેની પાસે આ મોડલને દુનિયાભરમાં ફેલાવવાનું સ્પષ્ટ લક્ષ્ય હતું.

ખાસ ગત 15 વર્ષોમાં, સતત કેટલીક ઘટનાઓના કારણે સાઉદી અરેબિયા અને ઈરાનની વચ્ચે મતભેદમાં ઘણો વધારો થયો છે.

2003માં અમેરિકાએ ઈરાનના મુખ્ય વિરોધી ઈરાક પર આક્રમણ કરીને સદ્દામ હુસૈનની સત્તાને નષ્ટ કરી હતી. આનાથી અહીં શિયા બહુલ સરકાર માટેનો માર્ગ ખુલી ગયો અને દેશમાં ઈરાનનો પ્રભાવ સૌથી ઝડપથી વધવા લાગ્યો છે.

2011માં ઘણાં આરબ દેશોમાં વિદ્રોહના સ્વર ઉઠી રહ્યા હતા. તા કારણે આ વિસ્તારમાં રાજકીય અસ્થિરતા પેદા થઈ હતી.

ઈરાન અને સાઉદી અરેબિયાએ આ ઉથલ-પાથલનો ફાયદો ઉઠાવતા સીરિયા, બહરીન અને યમનમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કર્યું અને તેનાથી પરસ્પર શંકા વધી હતી.

ઈરાનના ટીકાકારોનું કહેવું છે કે તે આખા ક્ષેત્રમાં ખુદ અથવા તેના નિકટવર્તીઓને જ પ્રભુત્વમાં જોવા ચાહે છે. જેથી ઈરાનથી લઈને ભૂમધ્ય સાગર સુધી ફેલાયેલા આ વિસ્તાર પર પોતાનું નિયંત્રણ રાખી શકે.

સ્થિતિ બગડવાના કારણ

રાજકીય પ્રતિસ્પર્ધા વધી રહી છે, કારણ કે ઈરાન ઘણાં પ્રકારે આ પ્રાદેશિક સંઘર્ષને જીતતું દેખાઈ રહ્યું છે.

સીરિયામાં રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદને ઈરાની (અને રશિયા) સમર્થન પ્રાપ્ત છે અને તેના જોર પર તેની સેના સાઉદી અરેબિયાના સમર્થનવાળા વિદ્રોહી જૂથોને વ્યાપકપણે પછાડવામા સક્ષમ બની ગઈ છે.

સાઉદી અરેબિયા ઈરાનના પ્રભુત્વને રોકવામાં ઉતાવળું છે અને સાઉદી અરેબિયાના શાસક યુવાન તથા જોશીલા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું સૈન્ય દુસ્સાહસ આ ક્ષેત્રમાં તણાવની સ્થિતિને વધુ બદતર બનાવી રહ્યું છે.

તેમણે પાડોશી યમનમાં વિદ્રોહી હૂતી આંદોલનની વિરુદ્ધ ચાર વર્ષથી યુદ્ધ છેડયું છે. જેથી ત્યાં ઈરાનનો પ્રભાવ પાંગરી શકે નહીં. પરંતુ ચાર વર્ષ બાદ હવે આ તેમના માટે પણ મોંઘો દાંવ સાબિત થઈ રહ્યો છે.

ઈરાને આ તમામ આરોપોને નામંજૂર કર્યા છે. તેમનું એ પણ કહેવું છે કે તે હૂતી વિદ્રોહીઓને હથિયાર ઉપલબ્ધ કરાવે છે.

જો કે સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ પ્રમાણે, તહેરાન હૂતીઓના હથિયાર અને તકનીક બંને ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી રહ્યું છે.

ત્યારે ઈરાનના સહયોગી દેશ લેબનાનમાં શિયા મિલિશયા સમૂહ હિઝબુલ્લાહ રાજકીય રીતે શક્તિશાળી બ્લોકનું નેતૃત્વ કરે છે અને એક વિશાળ તથા સશસ્ત્ર સૈન્યનું સંચાલન કરે છે.

ઘણાં જાણકારોનું માનવું છે કે સાઉદી અરેબિયાએ પ્રાદેશિક લડાઈમાં હિઝબુલ્લાહની ભાગીદારી પર 2017માં લેબનાનના વડાપ્રધાન સાદ હરીરીને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા હતા. ખુદ સાઉદી અરેબિયા તેમનું સમર્થન કરતુંહતું.

ત્યારે લેબનોનના વડાપ્રદાન સાદ હરીરી સાઉદી અરેબિયિમાં બે સપ્તાહ માટે ગયા હતા. ત્યારે અચાનક સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાંથી ટેલિવિઝન પર તેમણે ઈરાન પર લેબનાન સહીત ઘણાં દેશોમાં ડર અને વિધ્વંસ ફેલાવવાનો આરોપ લગાવતા પોતાના જીવને ખતરો હોવાનું જણાવીને રાજીનામું આપ્યું હતું.

તે દરમિયાન તેમણે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર પણ નિશાન સાધ્યું હતું.

જો કે લેબનાનના અધિકારીઓનું કહેવું હતું કે તેમનું રાજીનામું ત્યા સુધી સ્વીકારવામાં નહીં આવે, જ્યાં સુધી તે ખુદ અહીં રાજીનામું આપશે નહીં. બાદમાં જ્યારે તેઓ લેબનાનથી પાછા ફર્યા તો તેમના રાજીનામાને સ્વીકારવામાં આવ્યું નહીં.

આ સિવાય કેટલીક બહારી શક્તિઓ પણ છે. સાઉદી અરેબિયાને અમેરિકાના રાષ્ટ્ર્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રનું સમર્થન મળેલું છે. બીજી તરફ ઈઝરાયલ પણ ઈરાનને મોટો ખતરો માને છે અને તેને રોકવા માટે જ એક પ્રકારે સાઉદી અરેબિયાની કોશિશોને ટેકો આપી રહ્યું છે.

યહુદી દેશ ઈઝરાયલ પોતાની સીમાથી લાગેલા સીરિયામાં ઈરાની સમર્થક લડાકાઓના આક્રમણને લઈને પણ ડરેલું છે. ઈઝરાયલ અને સાઉદી અરેબિયા 2015માં ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરનારા પ્રબળ વિરોધીઓમાંથી એક હતા.

મધ્ય-પૂર્વના દેશોના સમીકરણ

મધ્યપૂર્વના હાલના રણનીતિક નક્શા પર શિયા-સુન્નીનું વિભાજન જોવા મળી રહ્યુ છે.

સુન્ની બહુલ સાઉદી અરેબિયાના ટેકામાં યુએઈ, બહરીન, ઈજીપ્ત અને જોર્ડન જેવા ખાડી દેશો છે.

તો ઈરાનના સમર્થનમાં સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદ છે, જે સુન્નીઓની વિરુદ્ધ હિઝબુલ્લાહ સહીતના ઈરાની શિયા મિલિશિયા જૂથો પર ભરોસો કરે છે.

ઈરાકની શિયા બહુલ સરકાર પણ ઈરાનની નિકટવર્તી સહયોગી છે. જો કે વિરોધાભાસ એ છે કે તેણે અમેરિકાની સાથે પણ નજીકના સંબંધ બનાવ્યા છે. અમેરિકા પર તે તથાકથિત આઈએસઆઈએસની વિરુદ્ધ સંઘર્ષમાં મદદ માટે નિર્ભર છે.

શીતયુદ્ધ જેવી સ્થિતિ

ઘણાં માપદંડોથી આ પ્રતિસ્પર્ધિ બંને દેશો વચ્ચે શીતયુદ્ધ જેવી સ્થિતિ છે. જેવી સ્થિતિ અમેરિકા અને સોવિયત રશિયા વચ્ચે ઘણાં વર્ષો સુધી રહી હતી.

ઈરાન અને સાઉદી અરેબિયા સીધા લડતા નથી. પરંતુ તેઓ ઘણાં પ્રકારના પ્રોક્સિવોરમાં ગુંચવાયેલા છે.

સીરિયા એક સ્પષ્ટ ઉદાહરણ છે. જ્યારે યમનમાં સાઉદી અરેબિયાએ ઈરાન પર વિદ્રોહી હૂતિઓને બેલેસ્ટિક મિસાઈલ આપવાનો આરોપ લગાવ્યો છે. જેને સાઉદી અરેબિયાની સીમા પર ફેંકવામાં આવી હતી.

ઈરાને ખાડીના રણનીતિક જળમાર્ગો પર પણ પોતાનું જોર દેખાડયું છે. આ જળ માર્ગ દ્વારા જ સાઉદી અરેબિયા ઓઈળ સપ્લાય કરે છે. અમેરિકાએ કહ્યું પણ છે કે તાજેતરમાં વિદેશી ટેન્કરો પર થયેલા હુમલાની પાછળ ઈરાનનો હાથ હતો. જો કે ઈરાને આનાથી ઈન્કાર કર્યો છે.

શું ઈરાન અને સાઉદી વચ્ચે સીધા યુદ્ધની શક્યતા વધી છે?

ઈરાન અને સાઉદી અરેબિયા છદ્મયુદ્ધ તો લડી જ રહી છે. પરંતુ તાજેતરમાં સાઉદી અરેબિયાના આર્થિક પ્રતિષ્ઠાનો પર હૂતી હુમલા બાદ હાલ પરિસ્થિતિ બગડી શકે છે.

ખાડીની સમુદ્રી સીમા પર ઈરાન અને સાઉદી અરેબિયા એકબીજાની સામે છે અને વધતા તણાવથી બંને વચ્ચે વ્યાપક સંઘર્ષનું જોખમ પણ વધી રહ્યું છે.

અમેરિકા અને અન્ય પશ્ચિમી શક્તિઓ માટે ખાડીમાં તેમના આંતરરાષ્ટ્રીય શિપિંગ અને ઓઈલ જહાજોના સ્વતંત્ર પરિચાલનની જરૂરિયાત છે.

કોઈપણ સંઘર્ષની સ્થિતિમાં આ જળમાર્ગ પર અડચણ ઉભી થવી સ્વાભાવિક છે. માટે આવી સ્થિતિ બનવા પર અમેરિકાની નૌસેના અને વાયુસેના આ ઘર્ષણમાં કૂદશે તેવી આશંકા છે.

ઘણાં સમયથી અમેરિકા અને તેના સહયોગી દેશ મધ્યપૂર્વમાં ઈરાનને એક અસ્થિર શક્તિ તરીકે જોઈ રહ્યા છે. સાઉદી અરેબિયાનું નેતૃત્વ પણ ઈરાનને અસ્તિત્વ પર ખતરા તરીકે જોવે છે અને ક્રાઉન પ્રિન્સ સલમાન ઈરાનના વધતા પ્રભાવને રોકવા માટે કોઈપણ હદ સુધી જવાની વાત કરે છે.

સાઉદી અરેબિયા કેટલું અસુરક્ષિત છે, તે તાજેતરમાં તેના ઓઈલ પ્રતિષ્ઠાનો પર થયેલા હુમલાથી દુનિયાની સામે ઉઘાડું પડયું છે. જો યુદ્ધ છેડાય છે, તો આ પુરા મનસૂબા સાથે નહીં, પરંતુ કોઈ અચાનક ઘટનાની સાથે શરૂ થઈ શકે છે.

પરંતુ સાઉદી અરેબિયાની ખુદની સક્રિયતા, ટ્રમ્પ વહીવટી તંત્રની આ ક્ષેત્રમાં દિલચસ્પીના કારણથી કેટલીક હદ સુધી એક અનિશ્ચિતતા તરફ ઈશારો કરે છે. જેનાથી મધ્યપૂર્વ એશિયાના તણાવમાં એક નવું પાસું ઉમેરે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.