સૌરાષ્ટ્રમાં મગફળીની અછત, નાફેડે ઊંચા ભાવે જથ્થો રિલિઝ કરતા સિંગતેલના ભાવ ઘટશે નહીં
અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. કહેવાય છે. કે, મગફળીની નિકાસ વધતાં માગની અછત સર્જાતા સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં હાલમાં દૈનિક 1.20 લાખ બોરીની અછત જોવા મળી રહી છે. પરિણામ લોકોને સિંગતેલ મોંઘા ભાવનું ખરીદ કરવું પડી રહ્યું છે. બજારમાં પૂરતો માલ મળતો નથી. સીંગદાણામાં ડિમાન્ડ નીકળી છે એટલે બધો માલ સીંગદાણાના વેપારમાં જાય છે. આવા સંજોગોમાં નાફેડ પોતાની પાસે જે માલ છે તે બધો રિલીઝ કરીને મગફળીની અછત દૂર કરવાને બદલે જૂની મગફળી જે ગત વર્ષે ખેડૂતો પાસેથી રૂ.1100ના ભાવે ખરીદ કરી હતી તે અત્યારે રૂ.1400ના ભાવે વેચીને મણે રૂ.300નો નફો કમાઈ છે. એટલે હવે સિંગતેલના ભાવમાં ઘટાડાની શક્યતા નહીવત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીના પાકનું બમ્પર ઉત્પાદન થયું હતું. એટલે લોકોને સસ્તુ સિંગતેલ મળશે એવી આશા હતી. ખેડુતો પાસેથી સસ્તાભાવે માલ ખરીદી લીધા બાદ મગફળીની મોટાપાયે નિકાસ કરી દેવામાં આવી છે. તેને લીધે બજારમાં માલની અછત સર્જાતા મગફળીના ભાવમાં વધારો થયો છે. તેના લીધે સિંગતેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. બજારમાં મગફળીનો માલ મળતો નથી. ગોંડલ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી સહિત આખા સૌરાષ્ટ્રમાં આવેલી ઓઈલમિલમાં પિલાણ માટે દૈનિક 1.50 લાખ બોરીની જરૂરિયાત છે. જ્યારે સામે આવક માત્ર 30 હજાર બોરીની જ છે. આમ નાફેડની નફાખોરી સામે ઓઈલમિલરો, ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી 2022માં સિંગતેલના ભાવે રૂ.2300ની સપાટી કૂદાવી હતી. અને આ વર્ષે સિંગતેલનો ભાવ રૂ. 3000ને વટાવી ગયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, નાફેડ ખેડૂતોને આ વખતે પુરતા ભાવ આપી ન શક્યું એટલે ખેડૂતોએ ખુલ્લા બજારમાં માલ વેચ્યો અને તેથી સંગ્રહખોરી થતી હોવાની ફરિયાદ ઊઠી છે. આમ, સંગ્રહખોરી અને નફાખોરીને કારણે 12 મહિનામાં સિંગતેલ રૂ.620 મોંઘું થયું છે. નાફેડના જણાવ્યાનુસાર તેને ગત વર્ષે 95 હજાર મેટ્રિક ટન મગફળી ખેડૂતો પાસે ખરીદી કરી હતી અને 35 હજાર મેટ્રિક ટન કેરી ફોરવર્ડ સ્ટોક છે. જરૂરિયાત મુજબ હોય તે પ્રમાણે તે માલ રિલીઝ કરે છે. નાફેડનું કામ ખેડૂતો પાસેથી મગફળી કે કોઈ પણ જણસી હોય તે ખરીદ કરે. જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે. તેમજ જ્યારે બજારમાં તેની અછત સર્જાઈ તેને રિલીઝ કરવાનું હોય છે. જેથી બજારમાં માલ-પુરવઠામાં એક સંતુલન જળવાઇ. આ કામગીરી કરવામાં નાફેડ ઊણું ઉતર્યુ છે.