
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અશ્વો વિના જ તબેલો બાંધી દીધો, અંતે વધેલી ગ્રાન્ટ પરત કરવી પડી
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કાઠીયાવાડી અશ્વના સંવર્ધન,સંશોધન અને તાલીમ માટે રૂપિયા 51 લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે શેડ, ફેંસીન્ગ, સમ્પ, ઓફિસ તૈયાર કરવામાં 20 લાખનો ખર્ચ કર્યા પ્રોજેક્ટનુ કામ આગળ ના વધતા બાકીની ગ્રાન્ટ વ્યાજ સહિતની રકમ પરત જમા કરાવી દેવા સરકારે સુચના આપી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાઠીયાવડી અશ્વના સંવર્ધન,સંશોધન અને તાલીમના પ્રોજેક્ટ માટે 51 લાખની ગ્રાન્ટ મળી હતી. આ ગ્રાન્ટમાંથી શેડ, ફેંસીન્ગ, સમ્પ, ઓફિસ – તૈયાર કરવા 20 લાખ ખર્ચ કર્યો હતો. પરંતુ 2017 સુધી પ્રોજેક્ટનુ કામ આગળ ના વધતા સરકારે બાકીની ગ્રાન્ટ વ્યાજ સહિત પરત જમા કરાવા સૂચના આપી હતી. અશ્વનો સંવર્ધન થાય અને યુવાનો અશ્વ અંગે માહિતી મેળવી શકે તેવા ઉમદા વિચાર સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાસ પ્રોજેક્ટ હાથ કરવામાં આવ્યો હતો. વર્ષ 2010-11 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાઠીયાવાડી અશ્વોના સંવર્ધન અને સંશોધન માટે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી માત્ર તબેલો બનાવવા પાછળ જ રૂપિયા 20 લાખનો ખર્ચ થઈ ગયો હતો. પરંતુ 2017 સુધી પ્રોજેક્ટનુ કામ આગળ ના વધતા સરકારે બાકીની ગ્રાન્ટ વ્યાજ સહિત પરત જમા કરાવા સૂચના આપતા 30 લાખ રૂપિયા પરત આપી દેવા પડ્યા હતા.
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે કરેલી RTIમાં ખુલાસો થયો હતો કે, 2010-11માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાઠીયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ માટે રૂ. 50.65 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી રૂ. 20,10,522 નો ખર્ચ થયેલો છે અને ગાંધીનગર સ્થિત પશુપાલન નિયામકની કચેરીની સૂચના અનુસાર રૂ. 30,54,478 તા. 25- 06- 2020 ના જમા કરાવવામાં આવ્યા હતા. રૂપિયા 20 લાખમાં માત્ર તબેલો જ તૈયાર થયો છે અહીં કોઈ દિવસ અશ્વો કે ઘાસ કઈ પણ આવ્યુ નથી અને તેમનાં પર સંશોધન પણ થયું નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશોએ જો આ કેન્દ્રને યોગ્ય રીતે વિકસાવ્યું હોત તો આજે યુવાનો માટે હોર્સ રાઇડિંગ શીખવાનો અવસર મળ્યો હોત. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશોના કહેવા મુજબ બે વાર ઘોડા અને ઘોડીની ખરીદી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પણ કોઈએ રસ દાખવ્યો નહતો.