1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હળવદમાં કેમિકલયુક્તથી લીલીછમ વરિયાળી બનાવવાનું કૌભાંડ, 1.12 કરોડનો માલ સીઝ કરાયો
હળવદમાં કેમિકલયુક્તથી લીલીછમ વરિયાળી બનાવવાનું કૌભાંડ, 1.12 કરોડનો માલ સીઝ કરાયો

હળવદમાં કેમિકલયુક્તથી લીલીછમ વરિયાળી બનાવવાનું કૌભાંડ, 1.12 કરોડનો માલ સીઝ કરાયો

0
Social Share

સુરેન્દ્રનગરઃ વધતી જતી મોંધવારીમાં કેટલાક લોકો રાતોરાત માલદાર બનવા માટે ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરતા હોય છે.ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. પૈસા કામવવાની લલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહયા છે. ત્યારે હળવદમાં કેમિકલયુક્ત વરિયાળી બનાવવાના મોટા રેકેટનો પોલીસે પડદાફાશ કર્યો છે. હળવદની અવધ ઇન્ડસ્ટ્રિઝમાં વંદના એન્ટરપ્રાઇઝમાં પોલીસે દરોડો પાડીને કેમિકલયુક્ત વરિયાળી સાથે કુલ રૂ.1,12,82,150ના જથ્થા સાથે માસ્ટર માઇન્ડ યુપીના શખ્સને પકડી લીધો હતો.

મોરબી જિલ્લાના હળવદમાંથી પકડાયેલી કેમિકલવાળી વરિયાળી લોકોના આરોગ્ય માટે જોખમી બની જાય તેવી છે. સામાન્ય રીતે ખોરાક અને ઔષધ નિયમન વિભાગે ખાદ્યપદાર્થોમાં થતી ગેરરીતિ અંગે ચેકિંગ કરવાનું હોય છે. પરંતુ આ ઘટનામાં પોલીસે મોટા રેકેટનો પડદાફાશ કર્યો છે. પોલીસે રેકેટ પકડ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લીધી હતી. કૌભાંડકારીઓ  ખરાબ વરિયાળીને કેમીકલની મદદથી સારી બનાવીને વેચવાનો ગોરખ ધંધો હળવદની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતો હોવાની મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી.આથી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શનથી એલસીબીની ટીમે અવધ ઇન્ડસ્ટ્રીઝમાં વંદના એન્ટરપ્રાઇઝના નામે ચાલતા કારખાનામાં દરોડો પાડયો હતો.  જયાથી સાદી અને કેમિકલયુકત વરિયાળી તથા કેમિકલ સહિત અંદાજે રૂ. 1.12 કરોડનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ફેકટરીના માલિક જે મુળ એમપીના ગાજીયાબાદનો વતની હોવાનું કહેવાય છે, પોલીસે  આ કૌભાંડમાં હળવદ વસંતપાર્ક સોસાયટીમાં રહેતો 36 વર્ષનો હિતેશ મુકેશજી અગ્રવાલને પણ પકડી લીધો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી વરિયાળીની સિઝનમાં આવીને ગોરખ ધંધો ચલાવતો હતો.આ સિઝનમાં તા.12 એપ્રિલથી તેણે વરિયાળી ખરીદી કરીને તેમાં કેમિકલ ભેળવવાની શરૂઆત કરી દીધી હતી. આરોપી વરિયાળીમાં કયુ કેમિકલ ભેળવતો હતો અને તેની માનવ જીન્દગી ઉપર શું અસર થાય તેવી વિગતો મેળવવા માટે એફએસએલ અને ફૂડ વિભાગની મદદ લઇને સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આરોપી કેમિકલ વાળી વરિયાળી ઉંઝાના બજારની સાથે રાજયના અન્ય શહેરોમાં પણ વેચતો હતો.તમામ મુદામાલ સીઝ કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ યાર્ડમાં જયારે વરિયાળીની આવક ચાલુ થાય ત્યારે ભાડા કરારથી તે ગોડાઉન અને ફેક્ટરી ભાડેથી રાખી લેતો હતો.  યાર્ડમાં જે નીચા ભાવની ખરાબ વરિયાળી હોય તેની ખરીદી કરી લેતો હતો. બાદમાં તે ફેક્ટરીમાં વરિયાળીને શોર્ટ કરવા માટેની મશીન રાખતો અને તેમાં શોર્ટિંગ કરીને તેને અલગ કરી દેતો હતો. બાદમાં તે વરિયાળીમાં કેમિકલ ભેળવી દેતો જેથી વરિયાળીનો દાણો મોટો અને લીલોછમ થઇ જતો હતો. આ વરિયાળી તે સુપર અને બાદશાહના નામે ઊંઝામાં જઇને ઊંચા ભાવે વેચી દેતો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયે બજારમાં વરિયાળીના ભાવ 3100થી 3751 છે. આરોપી ખરાબ વરિયાળી ખાસ કરીને સીધી ખેડૂતો પાસેથી લેવાનું વધુ પસંદ કરતો હતો. કારણ કે યાર્ડની દલાલીનો સીધો જ ફાયદો થઇ જાય. ખેડૂતોને ખરાબ વરીયાળીના બજાર ભાવ કરતા 200થી 250 ભાવ વધુ આપતો હતો.આથી ખેડૂતો પણ તેને વરિયાળી વેચતા હતા. બાદમાં કેમિકલની મદદથી જે વરિયાળી તૈયાર થતી તે સારી જોવા મળતી હતી. અને આરોપી તેને તે માર્કેટમાં 3200થી લઇને 3300ના મણના ભાવે વેચતો હતો. કહેવાય છે. કે, આરોપીએ આ વર્ષે આ ધંધો ચાલુ કર્યાને માત્ર 35 દિવસ જ થયા છે. છતાં તેની પાસે 49130 કિલો વરિયાળી કેમિકલવાળી અને 6400 કિલો સાદી વરીયાળોનો જથ્થો હતો. આમ તેણે 55530 કિલો વરિયાળી તો ભેગી કરી રાખી હતી. આ વરીયાળી તે ઊંઝાના બજારમાં વેચવા જવાનો હતો કારણ કે ત્યાં વરીયાળીની મોટી સંખ્યામાં આવક થતી હોય કેમિકલવાળી વરિયાળી તરફ કોઇનું ધ્યાન જતું ન હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code