 
                                    ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીઃ ઉત્તર પ્રદેશના ઓરઈમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયું
લખનૌઃ સમગ્ર ઉત્તરભારતમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે. મેદાની વિસ્તારોથી પહાડી વિસ્તાર સુધી ગરમીથી લોકો ત્રસ્ત છે. દિલ્હી NCR સહીત ઉત્તર પ્રદેશમાં ગરમીનો વધુ પ્રકોપ છે. હરિયાણા, ચંડીગઢ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો સહીત ઓડીશા, ઝારખંડ, બિહાર અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં લુ નો કહેર છે
તાપમાનમાં નોંધાયેલા વધારા સાથે જ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં કેટલાક વિસ્તારોનું તાપમાન 44 થી 46 ડીગ્રી સુધી પહોંચ્યું છે. આજે પણ ઉત્તરપ્રદેશમાં ગરમીના કારણે હીટવેવનું એલર્ટ આપવામાં આવેલ છે. જો બીજી તરફ આસામની વાત કરવામાં આવે તો, આસામમાં વરસાદના કારણે ભારે પુરનો સામનો કરવો પડ્યો છે. સતત આવી રહેલ વરસાદના કારણે 15 જીલ્લાઓના 1 લાખ 60 હજારથી વધુ લોકો પ્રભાવિત બન્યા છે. સાથે જ આ વર્ષે પુરના કારણે 26 લોકોના મૃત્યુ નીપજ્યા છે. સાથે જ પુર પ્રભાવિત ક્ષેત્રોમાં રાહત શિબિરોની સંખ્યા વધારીને 43 કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશ સહિત ઉત્તરભારતમાં કાળઝાળ ગરમીને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. બુધવારે દિલ્હીમાં 12 વર્ષમાં સૌથી ગરમ રાત્રિ હતી અને લઘુત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનના સામાન્ય કરતાં આઠ ડિગ્રી વધારે હતું. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે શહેરમાં અગાઉની સૌથી ગરમ રાત જૂન 2012માં નોંધવામાં આવી હતી જ્યારે લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. મંગળવારે દિલ્હીમાં આ સિઝનની સૌથી ગરમ રાત્રિ 33.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

