અમદાવાદના રિવરફ્રન્ટ-કેવડિયા વચ્ચેની સી-પ્લેન સેવા 200 દિવસથી બંધ, ક્યારે શરૂ થશે તે નક્કી નથી
અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી શરૂ કરાયેલી સી-પ્લેન સેવા ઘણા સમયથી બંધ છે. દેશમાં પ્રથમવાર સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી 1 નવેમ્બર 2020થી સી-પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી. સી-પ્લેનના મેન્ટેનન્સની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને લગભગ દર એકથી દોઢ મહિને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલાતું હતું. છેલ્લે ફ્લાઈંગ અવર પૂરા થતા ફ્લાઈટ ઓપરેટર એરલાઈન્સ સ્પાઈસ જેટ દ્વારા 9 એપ્રિલે સી પ્લેનને માલદીવ મોકલવામાં આવ્યું હતું. ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસો ઘટવાની સાથે ટુરિસ્ટ સ્થળો મુલાકાતીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. જેમાં કેવડિયા પણ દિવાળી દરમિયાન હાઉસફુલ થઈ ગયું છે, તેમ છતાં સી પ્લેન આજે 195 દિવસ બાદ પરત ફર્યુ નથી અને ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી..પણ સી-પ્લેન શરૂ કરાયા બાદ કોરોના કાળનો બીજો તબક્કો શરૂ થતાં સી-પ્લેન સેવાને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. કોરોના દરમિયાન પણ સી પ્લેનના રોજના બે શિડ્યુલને ઘટાડી એક કરી દેવાયું હતું. ત્યારબાદ પેસેન્જરોની સંખ્યા નહિવત્ થતા અને એરક્રાફ્ટના ફ્લાઈંગ અવર પણ લગભગ પૂરા થતા એરલાઈન્સ દ્વારા તેને મેન્ટેનન્સ માટે 9 એપ્રિલે માલદીવ મોકલી આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોનાની બીજી લહેર દરમિયાન કેસો ખૂબજ વધી જતા એરલાઈન્સે સી-પ્લેનનું સંચાલન સ્થગિત કરી દીધું હતું. જો કે હવે કોરોનાના કેસો ઘટવાની સાથે ટુરિસ્ટ સ્થળો લોકો માટે ખોલી દેવાયા છે, તેમ છતાં હજુ સુધી સી-પ્લેનનું સંચાલન ક્યારથી કરવું તે અંગે એરલાઈન્સ દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.