1. Home
  2. ગુજરાતી
  3. મણિપુરમાં સુરક્ષા દળોનું 6 જિલ્લામાં સંયુક્ત ઓપરેશન, 14 ઉગ્રવાદીઓની ધરપકડ
મણિપુરમાં સુરક્ષા દળોનું 6 જિલ્લામાં સંયુક્ત ઓપરેશન, 14 ઉગ્રવાદીઓની ધરપકડ

મણિપુરમાં સુરક્ષા દળોનું 6 જિલ્લામાં સંયુક્ત ઓપરેશન, 14 ઉગ્રવાદીઓની ધરપકડ

0
Social Share

નવી દિલ્હીઃ મણિપુરમાં સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ભારતીય સેના, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસે ગુપ્ત માહિતીના આધારે રાજ્યના 6 જિલ્લામાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પહાડી અને ખીણ વિસ્તારોમાં સક્રિય અલગ-અલગ ઉગ્રવાદી સંગઠનોના 14 કેડરની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ આ સફળ ઓપરેશન દરમિયાન 21 હથિયારો, વિસ્ફોટક સામગ્રી, પ્રતિબંધિત સામાન અને યુદ્ધમાં વપરાતો અન્ય સાધન-સામગ્રીનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે. રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસાને અંકુશમાં લેવાના સરકારના પ્રયાસો વચ્ચે આ ઓપરેશનને એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે.

સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, આ અભિયાન સંપૂર્ણપણે સચોટ ગુપ્તચર માહિતી પર આધારિત હતું, જેના કારણે કોઈ પણ મોટા નુકસાનને ટાળી શકાયું. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને વધુ કાયદાકીય કાર્યવાહી માટે સંબંધિત એજન્સીઓને સોંપવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આવા ઓપરેશન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. જ્યાં સુરક્ષા એજન્સીઓ સૈન્ય કાર્યવાહી દ્વારા ઉગ્રવાદીઓનો સફાયો કરી રહી છે, ત્યાં સરકાર પણ મણિપુરના નેતાઓને સાથે લઈને શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. સોમવારે, મે 2023 પછી પ્રથમ વખત, કુકી અને મૈતેઈ સમુદાયના ભાજપના ધારાસભ્યોએ દિલ્હીમાં મુલાકાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે અને આ બેઠકથી રાજ્યમાં સરકાર ગઠન અંગેની અટકળો તેજ બની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયા અઠવાડિયે મણિપુરની બે દિવસીય મુલાકાત દરમિયાન પહાડ અને ખીણને એકબીજાના પૂરક ગણાવ્યા હતા અને શાંતિ સ્થાપવા હાકલ કરી હતી. મૈતેઈ સમુદાય ખીણ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે, જ્યારે કુકી જનજાતિ પહાડી વિસ્તારોના કેટલાક જિલ્લાઓમાં મોટી સંખ્યામાં છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code