સરહદોની રક્ષા માટે ગામડાઓની સુરક્ષા જરૂરી,આ સરકારની પ્રાથમિકતા – અમિત શાહ
દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે, દેશની સરહદોની સુરક્ષા મોદી સરકારની પ્રાથમિકતા છે અને તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) પર બે દિવસીય વર્કશોપના અવસરે ગૃહમંત્રીએ સરહદી ગામોમાં વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા માટેનો રોડમેપ રજૂ કર્યો હતો.
શાહે કહ્યું કે, વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ દેશની સરહદ સુરક્ષામાં વધારાનું પરિમાણ ઉમેરશે. આ સાથે દેશના સરહદી ગામડાઓમાં શિક્ષણ, આરોગ્ય અને અન્ય સુવિધાઓનો વિકાસ થશે. વડાપ્રધાન મોદીએ હંમેશા કહ્યું છે કે સરહદી ગામો દેશના છેલ્લા ગામો નથી પરંતુ પ્રથમ ગામ છે. ગામડાઓને સુરક્ષિત કર્યા વિના સરહદો સુરક્ષિત ન થઈ શકે. વડાપ્રધાન મોદીએ સમર્પણ સાથે અને બંધારણની ભાવના સાથે VVPનો ખ્યાલ રજૂ કર્યો છે. તેમનું માનવું છે કે દરેક સરહદી ગામને દેશના અન્ય ગામોની જેમ તમામ સુવિધાઓ મળવી જોઈએ.
શાહે કહ્યું કે, 2014 પછી મોદી સરકારે છેલ્લા નવ વર્ષમાં બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 25,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે. 1,134 કિલોમીટર લાંબો બોર્ડર રોડ બનાવવામાં આવ્યો છે અને લગભગ તમામ ચેકપોસ્ટનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. શાહે કહ્યું, વીવીપી હેઠળના ગામડાઓમાં સહકારી સંસ્થાઓ દ્વારા રોજગાર વધારવા પર ભાર મૂકવો જોઈએ
શાહે જણાવ્યું હતું કે, ઓળખાયેલા ગામોમાં પ્રવૃત્તિઓ વધારવા, સ્થળાંતર અટકાવવા, નાગરિક સુવિધાઓ પૂરી પાડવા અને વધુને વધુ નાગરિકો, ખાસ કરીને યુવાનો આ ગામોમાં પ્રવાસન માટે આવે તેની ખાતરી કરવા માટે કામ કરવું જોઈએ.