ભુજઃ ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. તેમજ સૌરાષ્ટ્રના દરિયામાં અનેક બેટ આવેલા છે. જેમાં મોટાભાગના બેટ પર માનવ વસતી નથી, આવા નિર્જન બેટનો ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરતા હોય સલામતી દળો, મરીન એજન્સી, વગેરે દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે જખૌ પાસે આવેલી નિર્જન એવા કૂંડી બેટ પર સરહદી સલામતી દળોની એક ટીમે પહોંચીને તપાસ કરતા બેટ પરથી અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા હતા.
સૌરાષ્ટના દરિયા કિનારા નજીકના નિર્જ બેટ પરથી બિનવારસી માદક પદાર્થના પડીકાં મળી આવવાનો સિલસિલો તાજેતરમાં શરૂ થયા બાદ, તેજ બનાવાયેલા પેટ્રોલિંગ અને હાઈ એલર્ટ વચ્ચે કચ્છના સરહદી જિલ્લાના પશ્ચિમ બાજુના જખૌ બંદરથી નવ કિલોમીટરના અંતરે આવેલા કુંડી નામના નિર્જન ટાપુ પરથી સરહદી સલામતી દળના જવાનોને એક કિલોગ્રામ વજનનું અફઘાની ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતુ. એપ્રિલ માસના મધ્યથી જખૌ દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં 35 જેટલા માદક પદાર્થના બિનવારસી પેકેટ મળી ચુક્યા છે..
સૂત્રોના જણાવ્યા મુજબ દરિયાઈ સલામતી દળની ટીમે જખૌ પાસેના કૂંડી બેટ પર જઈને તપાસ કરતા સફેદ રંગના વજનદાર લાગતા કોથળાની આગળની સાઇડમાં બ્લુ કલરના સ્ટારબક્સ કોફીના પડીકા પર પાઇકે પ્લેસ્ડ રોસ્ટ નેટ ટેક્સો પોલી પીપી બેગ છાપેલું જોવા મળ્યું હતું. આ પડીકાને જપ્ત કરી વધુ છાનબીન માટે જખૌ પોલીસ મથકને સોંપી દેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, જખૌ આસપાસના વિસ્તારોમાંથી અગાઉ મળી આવેલા ચરસના પેકેટો જેવું જ હોવાનું સરહદી સલામતી દળના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું. હજુ આ પ્રકારના પેકેટો મળવાની પ્રબળ સંભાવનાના પગલે સીમા સુરક્ષા દળ દ્વારા સઘન તલાશી અભિયાન હાલ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. (file photo)