
PMની મુલાકાતને લઈને સુરક્ષા હશે કડક,અયોધ્યામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
- પીએમ મોદી 30 ડિસેમ્બરે રોડ શો કરશે
- શ્રી રામ એરપોર્ટથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન સુધી રોડ શો
લખનઉ:અયોધ્યા પોલીસે 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને સુરક્ષા માટે નક્કર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત સ્થાનિક રહીશોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. દરેકને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ બહારના સંબંધી કોઈના ઘરે આવે તો તેણે પોલીસને જાણ કરવાની રહેશે.
પોલીસે વડાપ્રધાનના રોડ શોના રૂટ પર રોડના બંને પાટા અને રેલવે સ્ટેશનની આસપાસ રહેતા મકાન અને દુકાન માલિકોને નોટિસ ફટકારી છે. જેમાં તેમના પરિવારના સભ્યો, મુલાકાતીઓ, સંબંધીઓ, નોકર અને ભાડૂતોની સંખ્યા વિશે માહિતી માંગવામાં આવી છે. આ માટે પોલીસે મોબાઈલ નંબર પણ જારી કર્યો છે.
બીજી તરફ એવી માહિતી છે કે વડાપ્રધાનની મુલાકાતના એક દિવસ પહેલા અયોધ્યામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. અયોધ્યાવાસીઓ ત્યારે જ ક્યાંક જઈ શકશે જ્યારે ખૂબ જ મહત્વપૂર્ણ કામ હશે. આ માટે તેઓએ પોતાનું ઓળખ પત્ર બતાવવાનું રહેશે. જાહેર સભામાં આવનાર લોકોને માત્ર સભા સ્થળ સુધી જ જવા દેવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે શ્રી રામ એરપોર્ટથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન સુધી રોડ શો પણ કરશે. શુક્રવારે મોડી સાંજે ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા સંગઠનની બેઠક મળી હતી. જેમાં એરપોર્ટ નજીકના મેદાનમાં યોજાનારી વડાપ્રધાન મોદીની રેલીની તૈયારીઓ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.