1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સેલવાસ: નાઈટ્રોજન ગેસ ગોડાઉનમાં સિલિન્ડર રિફિલિંગ વખતે ધડાકો, 4ના મોત
સેલવાસ: નાઈટ્રોજન ગેસ ગોડાઉનમાં સિલિન્ડર રિફિલિંગ વખતે ધડાકો, 4ના મોત

સેલવાસ: નાઈટ્રોજન ગેસ ગોડાઉનમાં સિલિન્ડર રિફિલિંગ વખતે ધડાકો, 4ના મોત

0
Social Share

સેલવાસ, 4 એપ્રિલ 2026: દાદરા અને નગર હવેલીના પાટનગર સેલવાસમાં એક કાળજું કંપાવનારી ઘટના બની છે. શહેરના દેમાણી રોડ પર આવેલા એક નાઈટ્રોજન ગેસના ગોડાઉનમાં સિલિન્ડર રિફિલિંગની કામગીરી દરમિયાન અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ગોડાઉનના મેનેજર સહિત 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 5થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે જ્યારે ગોડાઉનમાં કર્મચારીઓ ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક પછી એક ધડાકા થયા હતા. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ અને ધ્રુજારી 30 મીટર દૂર સુધી અનુભવાઈ હતી. સ્થાનિકોને ક્ષણભર માટે એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય. ધડાકાને કારણે ગોડાઉનનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને તેનો કાટમાળ ઉડીને છેક રોડ સુધી પહોંચ્યો હતો. આ સમયે નજીકથી પસાર થઈ રહેલા શાળાના બાળકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ સેલવાસ પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંભીર રીતે દાઝેલા અને ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં ગોડાઉનના મેનેજરનો પણ સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં ગેસ રિફિલિંગ પ્રક્રિયા દરમિયાન સુરક્ષાના માપદંડોના ઉલ્લંઘનની આશંકા સેવાઈ રહી છે. વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. કલેક્ટર અને પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગોડાઉનમાં પૂરતી અગ્નિશામક સુવિધાઓ હતી કે નહીં અને બેદરકારી બદલ કોણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code