1. Home
  2. ગુજરાતી
  3. 2019ની લોકસભાની ચૂંટણી સાત કોઠાનો ચક્રવ્યૂહ, ક્યાં કોઠામાં કોણ કોના પર પડશે ભારે?
2019ની લોકસભાની ચૂંટણી સાત કોઠાનો ચક્રવ્યૂહ, ક્યાં કોઠામાં કોણ કોના પર પડશે ભારે?

2019ની લોકસભાની ચૂંટણી સાત કોઠાનો ચક્રવ્યૂહ, ક્યાં કોઠામાં કોણ કોના પર પડશે ભારે?

0
Social Share

દેશમાં લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચુક્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ રવિવારે લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. દેશની 543 લોકસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને તેના પરિણામો 23મી મેના રોજ જાહેર થશે. મહાભારતના યુદ્ધ વખતે અભિમન્યુ સાત કોઠાનું યુદ્ધ લડયો હતો. 2019ની લોકસભાની ચૂંટણી પણ સાત કોઠા એટલે કે સાત તબક્કામાં યોજાઈ રહી છે. જો કે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોણ અભિમન્યુ બનશે, તેની જાણકારી તો 23 મેના પરિણામો જ આપશે. આ સાતેય તબક્કામાં થનારા મતદાનમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે અલગ-અલગ પરિસ્થિતિઓ અને અલગ-અલગ પડકારો છે.

પહેલા તબક્કામાં 91 બેઠકો પર વોટિંગ

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 બેઠકો પર 11 એપ્રિલે વોટિંગ થવાનુ છે. જેમાં આંધ્રની 25, અરુણાચલની બે, આસામની 5, બિહારની ચાર, છત્તીસગઢની એક, જમ્મુ-કાશ્મીરની 2, મહારાષ્ટ્રની સાત, મણિપુરની એક, મેઘાલયની એક, નાગાલેન્ડની એક, ઓડિશાની ચાર, સિક્કિમની એક, તેલંગાણાની 17, ત્રિપુરાની એક, ઉત્તરપ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ, પશ્ચિમ બંગાળની બે, અંદમાન-નિકોબારની એક અને લક્ષદ્વીપની એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં પ્રાદેશિક પક્ષોનો પડકાર

20 રાજ્યની 91 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના સીધા મુકાબલાના સ્થાને ત્રિપાંખીયા જંગના આસાર વધી ગયા છે. પશ્ચિમ યુપીની આઠ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન દરમિયાન એસપી-બીએસપી-આરએલડીનું ગઠબંધન ભાજપ અને કોંગ્રેસને સીધી ટક્કર આપશે. બિહારની ચાર બેઠકો પર કોંગ્રેસ-આરએલડીનો ભાજપ-એલજેપી-જેડીયુ સાથે આકરો મુકાબલો થવાની સંભાવના છે. જ્યારે પૂર્વોત્તરની મોટાભાગની બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે અને અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ દેખાઈ રહી છે. જો કે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યની તમામ બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. આંધ્રમાં ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. અહીં કોંગ્રેસ-ભાજપની ખાસ અસર દેખાઈ રહી નથી. જ્યારે તેલંગાણામાં ટીઆરએસનો પ્રભાવ છે. ઓડિશામાં બીજેડી-કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખિયો જંગ થવાનો છે. જ્યારે ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે.

બીજા તબક્કામાં 97 બેઠકો પર વોટિંગ

બીજા તબક્કામાં 13 રાજ્યોની 97 બેઠકો પર 18 એપ્રિલે વોટિંગ થવાનું છે. જેમાં આસામની પાંચ, બિહારની પાંચ, છત્તીસગઢની ત્રણ, જમ્મુ-કાશ્મીરની બે, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, મણિપુરની એક, ઓડિશાની પાંચ, તમિલનાડુની 39, ત્રિપુરાની એક, યુપીની આઠ, પશ્ચિમ બંગાળની ત્રણ અને પુડ્ડુચેરીની એક બેઠક સામેલ છે.

બીજા કોઠામાં એનડીએ-યુપીએ વચ્ચે સીધી લડાઈ

બીજા તબક્કામાં પશ્ચિમ યુપીની આઠ બેઠકો પર વોટિંગ થશે. અહીં બીએસપી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો દેખાઈ રહ્યો છે. મથુરા બેઠક પર આરએલડી અને ભાજપનો મુકાબલો થવાનો છે. બિહારની જે પાચં બેઠકો પર ચૂંટણી છે, તે સીમાંચલ અને તેની આસપાસની બેઠકો પર થવાની છે. આ વિસ્તાર આરજેડી-કોંગ્રેસનો મજબૂત ગઢ છે અને તેથી ભાજપ-જેડીયુ-એલજેપીને અહીં ટક્કર આપવા ખાસો પરસેવો વહેવડાવો પડશે. જ્યારે મહારાષ્ટ્રની દશ બેઠકો પર કોંગ્રેસ-એનસીપીનો સીધો મુકાબલો ભાજપ-શિવસેનાની વચ્ચે છે. તો તમિલનાડુની તમામ બેઠકો પર એકસાથે ચૂંટણી થવાની છે. અહીં કોંગ્રેસ-ડીએમકે અને ભાજપ-એઆઈએડીએમકે વચ્ચે સીધી લડાઈ છે. કર્ણાટકની 14 બેઠકો પર ચૂંટણી યોજાશે અને તેમા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનો મુકાબલો ભાજપ સાથે થશે. આસામ અને છત્તીસગઢમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે આકરી ટ્ક્કર થતી જોવા મળી રહી છે. તો ઓડિશાની પાંચ બેઠકો પર કોંગ્રેસ, બીજેડી અને ભાજપ વચ્ચે ત્રિપાંખિયો જંગ રોચક બની રહેશે.

ત્રીજા તબક્કામાં સૌથી વધુ બેઠકો પર વોટિંગ

ત્રીજા તબક્કામાં 14 રાજ્યોની 115 બેઠકો પર 23 એપ્રિલે વોટિંગ થશે. જેમાં આસામની ચાર, બિહારની પાંચ, છત્તીસગઢની સાત, ગુજરાતની 26, જમ્મુ-કાશ્મીરની એક, કર્ણાટકની 14, કેરળની 20, મહારાષ્ટ્રની 14, ઓડિશાની 6, ઉત્તરપ્રદેશની 10, પશ્ચિમ બંગાળની પાંચ, દાદરા-નગર હવેલીની એક અને દીવ-દમણની એક બેઠક પર વોટિંગ થશે.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

આ તબક્કામાં આસામ, છત્તીસગઢ અને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. મહારાષ્ટ્રની 14 બેઠકો પર કોંગ્રેસ-એનસીપી અને ભાજપ-શિવસેનાના ગઠબંધન વચ્ચે સીધી લડાઈ દેખાઈ રહી છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ અને લેફ્ટની આગેવાનીવાળા એલડીએફ વચ્ચે સીધી લડાઈ થવાની છે. પરંતુ કેરળમાં ભાજપને સબરીમાલા મુદ્દાને લઈને પોતાની જગ્યા બનાવવાની તક પણ જાણકારો માની રહ્યા છે. યુપીની 10 બેઠકો પર સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થતો દેખાઈ રહ્યો છે.

બિહારમાં સીમાંચલ પ્રદેશની પાંચ બેઠકો પર કોંગ્રેસ-આરજેડી ગઠબંધનની મજબૂત પકડ છે અને ભાજપ-જેડીયુ ગઠબંધનને જીત માટે ઘણી મહેનત કરવી પડશે. ઓડિશાની છ બેઠકો પર ત્રિપાંખિયો જંગ થશે. જ્યારે પશ્ચિમ બંગાળની પાંચ બેઠકો પર ટીએમસી, ભાજપ અને કોંગ્રેસ-લેફ્ટ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળે તેવી સંભાવના છે. જ્યારે કર્ણાટકની 14 બેઠકો પર ભાજપ માટે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન એક મોટો પડકાર રજૂ કરે તેવી શક્યતા છે.

ચોથા તબક્કામાં 71 બેઠકો પર વોટિંગ

ચોથા તબક્કામાં નવ રાજ્યોની 71 બેઠકો પર 29 એપ્રિલે વોટિંગ થવાનું છે. તેમા બિહારની પાંચ, જમ્મુ-કાશ્મીરની એક, ઝારખંડની ત્રણ, મધ્યપ્રદેશની છ, મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, રાજસ્થાનની 13, યુપીની 13 અને પશ્ચિમ બંગાળની આઠ બેઠકો સામેલ છે.

ગઠબંધનો વચ્ચે મુકાબલો

બિહારની જે પાંચ બેઠકો પર ચોથા તબક્કામાં ચૂંટણી થવાની છે, તેના પર ભાજપની સ્થિતિ મજબૂત છે. પરંતુ આરજેડી-કોંગ્રેસ ગઠબંધન એમ-વાય સમીકરણ દ્વારા આ વિસ્તારમાં જીતની સંભાવના શોધી રહ્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના પડકારનો સામનો ભાજપ-શિવસેનાના સત્તાધારી ગઠબંધને કરવાનો રહેશે. ઓડિશામાં કોંગ્રેસ, બીજેડી અને ભાજપ વચ્ચે ત્રિપાંખિયો જંગ થશે. ઝારખંડની ત્રણ બેઠકો પર ભાજપની સામે કોંગ્રેસ-જેએમએમ-જેવીએમ ગઠબંધન આકરો પડકાર છે. યુપીની 13 બેઠકો પર સપા-બસપા ગઠબંધનને ભાજપને આકરી ટક્કર મળતી દેખાઈ રહી છે.

પાંચમા તબક્કામાં 51 બેઠક

પાંચમા તબક્કામાં સાત રાજ્યોની 51 બેઠકો પર 6 મેના રોજ વોટિંગ થવાનું છે. તેમા બિહારની પાંચ, જમ્મુ-કાશ્મીરની બે, ઝારખંડની ચાર, મધ્યપ્રદેસની સાત, રાજસ્થાનની 12, યુપીની 14 અને પશ્ચિમ બંગાળની સાત બેઠકો પર વોટિંગ થવાનું છે.

ત્રિપાંખિયો જંગ

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. ઝારખંડ અને બિહારમાં કોંગ્રેસ અને ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનો વચ્ચે સીધો મુકાબલો છે. બિહારની મૈથિલા ક્ષેત્રની બેઠકો પર પાંચમા તબક્કામાં વોટિંગ થવાનું છે. જ્યારે યુપીના અવધ અને રુહેલખંડની 14 બેઠકો પર ભાજપની સામે સપા-બસપા અને કોંગ્રેસના પડકારો છે. યુપીમાં ત્રિપાંખિયો જંગ થવાના આસાર છે. પશ્ચિમ બંગાળની સાત બેઠકો પર ટીએમસી, ભાજપ અને કોંગ્રેસ-લેફ્ટની વચ્ચે ત્રિપાંખિયો જંગ થવાની સંભાવના છે. પરંતુ અહીં ટીએમસીની સ્થિતિ ખાસી મજબૂત છે. તો ભાજપ પણ પશ્ચિમ બંગાળમાં સારો દમખમ ઉભો કરવામાં સફળ રહેવાનો વિશ્વાસ ધરાવે છે.

છઠ્ઠા તબક્કામાં 59 બેઠકો પર વોટિંગ

છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો પર 12મી મે પર વોટિંગ થશે. તેમા બિહારની આઠ, હરિયાણાની 10, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની 8, યુપીની 14, પશ્ચિમ બંગાળની 8 અને દિલ્હીની સાત બેઠકો પર વોટિંગ થવાનું છે.

ગઠબંધનોમાં રાજકીય ટક્કર

છઠ્ઠા તબક્કાની મોટાભાગની લોકસભા બેઠકો પર ગઠબંધનો વચ્ચે મુકાબલો છે. બિહારમાં જ્યાં કોંગ્રેસ-આરજેડી-આરએલએસપી અને ભાજપ-જેડીયુ-એલજેપીની વચ્ચે આકરો મુકાબલો છે. તો હરિયાણાની દશ બેઠકો પર કોંગ્રેસ, ભાજપ અને આઈએનએલડી વચ્ચે ત્રિપાંખિયો જંગ થવાનો છે. તેવી જ રહીતે દિલ્હીની સાત બેઠકો પર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસી ભરેલો જંગ થવાની સંભાવના છે. તેવામાં પશ્ચિમ બંગાળની આઠ બેઠકો પર ટીએમસી ખાસી મજબૂત છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે અને માનવામાં આવે છે કે તેના કારણે કોંગ્રેસ-લેફ્ટને પશ્ચિમ બંગાળમાં ગઠબંધન કરવું પડયું છે. તેના કારણે હવે પશ્ચિમ બંગાળમાં ત્રિપાંખિયા જંગની રાજકીય પરિસ્થિતિ આકાર લઈ ચુકી છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશની જે 14 બેઠકો પર ચૂંટણી થવાની છે. તેમાની કેટલીક બેઠકો અવધ અને બાકીની બેઠકો પૂર્વાંચલની છે. અહીં ભાજપનો સપા-બસપા અને કોંગ્રેસ એમ બંને સામે લડવાનું છે.

સાતમા તબક્કામાં 59 બેઠકો પર વોટિંગ

સાતમા તબક્કામાં આઠ રાજ્યોની 59 બેઠકો પર 19મી મેના રોજ વોટિંગ થશે. બિહારની આઠ, ઝારખંડની ત્રણ, મધ્યપ્રદેશની આઠ, પંજાબની 13, ચંદીગઢની એક, પશ્ચિમ બંગાળની 9, હિમાચલપ્રદેશની ચાર અને ઉત્તરપ્રદેશની 13 બેઠકો આમા સામેલ છે.

પ્રાદેશિક પક્ષો અને ગઠબંધન આમને-સામને

આખરી તબક્કામાં બિહાર અને ઝારખંડની બેઠકો પર બે પાર્ટીઓના સ્થાને બે ગઠબંધનો વચ્ચે મુકાબલો થવાનો છે. પંજાબમાં કોંગ્રેસની સામે ભાજપ અને અકાલીદળનું ગઠબંધન એક પડકાર છે. જ્યારે મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ થવાની છે. પશ્ચિમ બંગાળ અને યુપીમા ત્રિપાંખિયા જંગના આસાર છે. પશ્ચિમ બંગાળમાં જ્યાં ટીએણસીની સામે ભાજપ અને કોંગ્રેસ-લેફ્ટ ગઠબંધન આકરો પડકાર છે. તો યુપીમાં ભાજપની સામે સપા-બસપા અને કોંગ્રેસ એમ બે પડકારો છે. આ તબક્કામાં પૂર્વાંચલની બેઠકો પર ચૂંટણી થવાની છે. આમા પીએમ મોદીની વારાણસી અને સીએમ યોગી આદિત્યનાથની ગોરખપુર બેઠક પણ સામેલ છે. પૂર્વાંચલમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પાર્ટી પ્રભારી છે. તેવામાં આખરી તબક્કામાં ચૂંટણી જંગ ઘણો રસપ્રદ રહેવાના આસાર છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code