1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં બિશ્નોઇ ગેંગના પકડાયેલા ગેંગસ્ટર પૈકી બે સિદ્ધુ મુંસેવાલાની હત્યાના શાર્પ શૂટર: દિલ્હી પોલીસ
ગુજરાતમાં બિશ્નોઇ ગેંગના પકડાયેલા ગેંગસ્ટર પૈકી બે સિદ્ધુ મુંસેવાલાની હત્યાના શાર્પ શૂટર: દિલ્હી પોલીસ

ગુજરાતમાં બિશ્નોઇ ગેંગના પકડાયેલા ગેંગસ્ટર પૈકી બે સિદ્ધુ મુંસેવાલાની હત્યાના શાર્પ શૂટર: દિલ્હી પોલીસ

0

ભુજઃ કચ્છના જિલ્લાના મુંદરા તાલુકાના બારોઈમાંથી દિલ્હી પોલીસની ખાસ ટીમે ઝડપી લીધેલા કુખ્યાત બિશ્નોઈ ગેંગના ત્રણ ગેંગસ્ટર્સ પૈકી બે શાર્પશુટરો લોકપ્રિય પંજાબી ગાયક સિધુ મુસેવાલાની હત્યા કેસમાં સંડાવાયેલા છે,  શાર્પશુટર કશિશ અને પ્રિયવ્રત ઊર્ફે અશોક ઊર્ફે ફૌઝીએ સિદ્ધુ મુસેવાલા પર એકે એસોલ્ટ રાયફલથી ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. જ્યારે, કેશવકુમારે હત્યા બાદ કશિશ અને ફૌઝીને નાસવા માટે મદદ કરી હતી. એવો દિલ્હી પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ ખૂલાશો કર્યો હતો.

સમગ્ર હત્યાકાંડની સિલસિલાબધ્ધ વિગતો જણાવતાં દિલ્હી સ્પેશિયલ સેલના સ્પેશિયલ કમિશનર ધાલીવાલે જણાવ્યું હતું કે, કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ શાર્પશૂટરોને સિધુ મુસેવાલાની હત્યા નિપજાવવાની સોપારી આપતાં કુલ છ જેટલા શાર્પ શૂટર્સ સિધુ મુસેવાલાની સતત રેકી કરતાં હતા. હત્યાના દિવસે એટલે કે, 29મી મેનાં રોજ પંજાબના માનસા જિલ્લામાં સિદ્ધુ મુસેવાલા મિત્રો જોડે પોતાની કાળા રંગની મહિન્દ્રા થાર જીપમાં જઈ હતો ત્યારે છ શાર્પ શૂટરે બે અલગ અલગ કારમાં તેનો પીછો કર્યો હતો. બોલેરો જીપમાં પ્રિયવ્રત ફૌઝી, દિપક મુંડી અને અંકિત સિરસા બેઠાં હતા. બોલેરો કશિશ ઊર્ફે કુલદિપ હંકારતો હતો. જ્યારે બીજી ટોયોટા કોરોલા કારમાં જગરૂપ રૂપા અને મનપ્રીત મન્નુ સવાર હતા.

કોરોલા કારથી થારને ઓવરટેક કરી મનપ્રીત મન્નુએ તેના ટાયર પર ગોળી મારી હતી. તે જ સમયે ફૌઝી અને કશિશ સહિતના તમામ છ શાર્પ શૂટરે સિધુ પર પિસ્તોલ અને એકે એસોલ્ટ રાયફલથી ગોળીઓનો વરસાદ વરસાવવાનું શરુ કરી દીધું હતું. ગોળીઓથી વીંધાઈ ગયેલો સિધુ હવે જીવિત નહીં રહે તેવી ખાતરી થયાં બાદ શાર્પ શૂટર્સ સ્થળ પરથી નાસી ગયાં હતા. બોલેરોમાં સવાર ફૌઝી સહિતના ચાર આરોપી ફતેહબાદ પહોંચ્યા હતા. ત્યાં આરોપી કેશવકુમાર બીજી કાર લઈને હાજર હતો. આ કારમાં બેસી તેઓ દિલ્હીથી દૂર અલગ અલગ સ્થળે નાસી છૂટ્યાં હતા.

દિલ્હીના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કશિશ, કેશવકુમાર અને ફૌઝી છૂપાવા માટે કચ્છના મુંદરા તાલુકાના બારોઈ ગામમાં ભાડાનું મકાન રાખ્યું હતું.  આ ત્રણેની પૂછપરછ દરમ્યાન બહાર આવ્યું છે કે તેમણે સિધુની હત્યા માટે જરૂર પડ્યે ગ્રેનેડ અને ગ્રેનેડ લોન્ચરથી પણ હુમલો કરવાની તૈયારી રાખી હતી અને આ વિસ્ફોટકો તેમણે હરિયાણાના હિસ્સારમાં છૂપાવ્યાં હતા. દિલ્હી પોલીસે આઠ ગ્રેનેડ,લોન્ચર, નવ ઈલેક્ટ્રોનિક ડિટોનેટર,એકે 47 રાયફલ, પિસ્તોલ્સ, જીવતાં કારતૂસ વગેરે હથિયારો પણ જપ્ત કર્યાં છે.

મુંદરાથી ઝડપાયેલાં ત્રણે આરોપી બિશ્વોઈ ગેંગના ખૂંખાર ગેંગસ્ટર્સ છે. તેમના પર હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલાં છે. મુસેવાલા હત્યા પ્રકરણમાં મુખ્ય 6 શાર્પ શૂટર્સ હતા તે તમામની હાલ ઓળખ થઇ ચુકી છે, જો કે, હજુ અન્ય આરોપીઓ પકડવાનાં બાકી છે. મુસેવાલાના મર્ડર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલાં 16 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. અગાઉ પૂણે પોલીસે નાગોર અને માંડવીથી ઝડપેલાં ગેંગસ્ટર સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીને હજુ સુધી દેશ-વિદેશના આ ચકચારી મર્ડર કેસમાં સંડોવણી સંદર્ભે પોલીસે ક્લિનચીટ આપી નથી.(file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.