1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશઃ શેખ હસીનાને પૂર્બાચલ પ્લોટ કૌભાંડમાં 10 વર્ષની કેદ ફરમાવાઈ
બાંગ્લાદેશઃ શેખ હસીનાને પૂર્બાચલ પ્લોટ કૌભાંડમાં 10 વર્ષની કેદ ફરમાવાઈ

બાંગ્લાદેશઃ શેખ હસીનાને પૂર્બાચલ પ્લોટ કૌભાંડમાં 10 વર્ષની કેદ ફરમાવાઈ

0
Social Share

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશની એક વિશેષ અદાલતે પૂર્બાચલ પ્લોટ કૌભાંડના બે કેસોમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેમની ભત્રીજી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને 4 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઢાકાની વિશેષ ન્યાયાધીશ અદાલત-4 ના જજ મોહમ્મદ રબીઉલ આલમે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

કોર્ટે હસીનાની અન્ય એક ભત્રીજી અઝમીના સિદ્દીક અને ભત્રીજા રાડવાન મુજીબ સિદ્દીક ‘બોબી’ ને પણ 7 વર્ષની જેલની સજા ફટકારી છે. હસીના પરિવારના સભ્યો ઉપરાંત, અન્ય 11 આરોપીઓને 10 વર્ષની કેદ અને એક આરોપીને ૨ વર્ષની સજા કરવામાં આવી છે. અઝમીના અને બોબી સહિતના આઠ આરોપીઓ પર 1-1 લાખ રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો છે, જે ન ભરે તો વધુ 6 મહિના જેલમાં રહેવું પડશે.

એન્ટી કરપ્શન કમિશન (ACC) દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસની ટ્રાયલ અત્યંત ઝડપી રહી હતી. કોર્ટ રેકોર્ડ મુજબ, માત્ર 15 સુનાવણીમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 39 લોકોએ જુબાની આપી હતી, જેમાં ACC ના અધિકારીઓ, હાઉસિંગ મંત્રાલયના સંયુક્ત સચિવ અને અન્ય સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ACC ના આરોપ મુજબ, શેખ હસીનાએ સત્તા પર હતા ત્યારે રાજુક ના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને પૂર્બાચલ ન્યુ ટાઉન પ્રોજેક્ટના સેક્ટર 27 ના ડિપ્લોમેટિક ઝોનમાં ગેરકાયદેસર રીતે પ્લોટ મેળવ્યા હતા. નિયમો મુજબ લાયક ન હોવા છતાં, હસીનાએ પોતાના માટે તેમજ પુતુલ, જોય, રેહાના, બોબી અને અઝમીના માટે 10-10 કટ્ટાના 6 પ્લોટ ફાળવી દીધા હતા.

78 વર્ષીય શેખ હસીના માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ગત વર્ષે 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન તેમને ભ્રષ્ટાચારના ચાર અલગ-અલગ કેસોમાં કુલ 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હવે આ નવા ચુકાદાથી તેમની જેલની મુદતમાં વધુ વધારો થયો છે. સજા પામેલા અન્ય આરોપીઓમાં પૂર્વ આવાસ મંત્રી શરીફ અહમદ અને પૂર્વ સચિવોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ T20 વર્લ્ડ કપ: પાકિસ્તાન-બાંગ્લાદેશના બહિષ્કાર પર શશિ થરૂર લાલઘૂમ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code