નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર 2026: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં આવેલા તણાવને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક પ્રતિષ્ઠિત અખબારને આપેલા વિગતવાર ઇન્ટરવ્યુમાં શેખ હસીનાએ કહ્યું કે, “મને ખબર નહોતી કે હું એટલી શક્તિશાળી છું, જેના કારણે બંને દેશોના સંબંધોમાં મુશ્કેલી ઊભી થઈ જાય.” બાંગ્લાદેશના વર્તમાન વડાપ્રધાન તારિક રહેમાનના ભારત પ્રવાસ અટકી જવા પાછળ શેખ હસીના દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશ સરકાર ભારત પર શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે દબાણ કરી રહી છે, પરંતુ ભારતે તે સ્વીકાર્યું નથી.
શેખ હસીનાએ તારિક રહેમાન અને ભૂતપૂર્વ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે યાદ અપાવ્યું કે 2007માં તારિક રહેમાને લેખિતમાં આપ્યું હતું કે તેઓ ક્યારેય રાજકારણમાં નહીં આવે, છતાં તેઓ લંડનથી ઓનલાઈન ભાષણો અને પ્રેસ કોન્ફરન્સ કરતા હતા. ત્યારે તેમની સરકારે બ્રિટિશ સરકારને તેમને ચૂપ કરવા માટે ક્યારેય કહ્યું નહોતું. તેમણે ઉમેર્યું કે, “મોહમ્મદ યુનુસે ગેરકાયદેસર રીતે સત્તા હડપ કરી ત્યારથી બાંગ્લાદેશમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ખતમ કરી દેવામાં આવી છે.” હસીનાના દાવા મુજબ, ઓગસ્ટ 2024થી બાંગ્લાદેશમાં 50 થી વધુ મીડિયા હાઉસીસ પર તોડફોડ કે આગ ચાંપવાની ઘટનાઓ બની છે, 13 પત્રકારોની હત્યા થઈ છે અને 38 પત્રકારોને જેલમાં મોકલાયા છે.
-
બાંગ્લાદેશ પરત ફરવા અંગે અડગ
બાંગ્લાદેશમાં ફાંસીની સજા કે હત્યાના આરોપો હોવા છતાં શેખ હસીનાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ યોગ્ય સમયે પોતાના દેશમાં ચોક્કસ પાછા ફરશે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “બાંગ્લાદેશ સરકાર સતત ભારત પાસે મારા પ્રત્યાર્પણની માંગ કરી રહી છે, પરંતુ જ્યારે હું કહું છું કે તેમને મોકલવાની જરૂર નથી, હું જાતે જ આવીશ, ત્યારે તેમને આ વાતથી પણ મુશ્કેલી થાય છે.”


