હેમંત પરમાર દ્વારા
વિશ્વભરના અર્થતંત્રો જ્યારે લથડી રહ્યા છે ત્યારે ભારતે એક એવો ચમત્કાર કરી બતાવ્યો છે જેને જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ છે. વિદેશી હૂંડિયામણ ભંડારના મામલે ભારતે એક એવો ઐતિહાસિક સપાટો બોલાવ્યો છે જેણે વૈશ્વિક મહાસત્તાઓને પણ વિચારતી કરી દીધી છે. ઓગસ્ટ મહિનાના અંત સાથે જ ભારતનું ફોરેક્સ રિઝર્વ ક્યારેય નહોતું વિચાર્યું તેવા ૭૪૦.૮ અબજ ડૉલરના સર્વોચ્ચ શિખરે પહોંચી ગયું છે. આ આર્થિક વિરાટ છલાંગ સાથે ભારતે વ્લાદિમીર પુતિનના રશિયાને પાછળ ધકેલીને વિશ્વમાં ચોથો ક્રમ પોતાના નામે કરી લીધો છે. હવે ભારતની આગળ માત્ર ત્રણ જ દેશો ચીન, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ બચ્યા છે.
જ્યારે ચારેતરફથી ઘેરાઈ ગયું હતું સંકટ
આ ઐતિહાસિક મુકામ સુધી પહોંચવાની સફર કોઈ મોટા રોમાંચક વળાંકથી ઓછી નથી. વર્ષની શરૂઆત થઈ ત્યારે ચારેય તરફ વૈશ્વિક યુદ્ધો અને તણાવના કાળા વાદળો ઘેરાયેલા હતા. એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું, તો બીજી તરફ ઈરાન સંકટ અને વૈશ્વિક વેપારની કરોડરજ્જુ ગણાતી હોર્મુઝની સમુદ્રધુનીમાં તણાવના કારણે દરિયાઈ રસ્તાઓ રૂંધાઈ ગયા હતા. આ સંકટોના વંટોળ વચ્ચે આખી દુનિયામાં મોંઘવારી ભડકે બળી રહી હતી અને ભારતની તિજોરી પર પણ ગંભીર દબાણ સર્જાયું હતું. પરિણામે ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર ઝડપથી ઓગળવા લાગ્યો અને જૂન મહિના સુધીમાં તો તે ઘટીને ૬૯૦ અબજ ડૉલરના ચિંતાજનક સ્તરે પહોંચી ગયો હતો. વિરોધીઓ એવું માની બેઠા હતા કે ભારતનું અર્થતંત્ર હવે સંકટમાં ફસાઈ જશે.
આરબીઆઈનો એવો માસ્ટરસ્ટ્રોક જેણે બાજી પલટી નાખી
પરંતુ ભારત આ સંકટ સામે નમવા તૈયાર નહોતું. આવી કટોકટીની ઘડીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક એવું ગેમચેન્જર પાસું ફેંક્યું જેણે આખી રમતનું પાસું બદલી નાખ્યું. આરબીઆઈએ વિશ્વભરમાં પથરાયેલા બિનનિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ સમુદાય માટે એફસીએનઆર યોજનાનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. આરબીઆઈએ અપ્રવાસી ભારતીયોને ખુલ્લું આહવાન કર્યું કે તેઓ પોતાના ડૉલર વિદેશી બેંકોમાં રાખવાને બદલે ભારતની બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે જમા કરાવે. સૌથી મોટું આકર્ષણ એ હતું કે તેમને એ જ વિદેશી ચલણમાં સુરક્ષિત અને જબરદસ્ત વળતર આપવાની પાકી ખાતરી આપવામાં આવી હતી.
અપ્રવાસી ભારતીયોએ માતૃભૂમિ માટે ખોલી દીધા પોતાના ખજાના
આ હાકલ પછી જે બન્યું તે જોઈને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની આંખો પહોળી થઈ ગઈ. માતૃભૂમિના એક જ સાદ પર દેશપ્રેમી ભારતીયોએ પોતાના ખજાનાના દરવાજા દેશ માટે ખોલી નાખ્યા. છેલ્લા માત્ર એક જ મહિનામાં ભારતીય બેંકોમાં વિદેશી ચલણની એવી જંગી સુનામી આવી કે આશરે ૧૪૦ અબજ ડૉલર દેશની તિજોરીમાં સીધા ઠલવાઈ ગયા અને આ પ્રવાહ હજુ પણ અવિરત ચાલુ છે. વિદેશમાં બેઠેલા ભારતીયોએ પોતાની માતૃભૂમિ પર જે અતૂટ ભરોસો મૂક્યો, તેના જોરે ભારતીય હૂંડિયામણ ભંડાર સીધો ૭૪૦ અબજ ડૉલરના ગગનચુંબી આંકડાને પાર કરી ગયો.
દેવાના નામે રડતા આલોચકોના મોં પર સણસણતો તમાચો
ભારતની આ ઐતિહાસિક છલાંગે દેશની આર્થિક સ્થિતિ પર સવાલો ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપી દીધો છે. કેટલાક લોકો સતત એવો અપપ્રચાર કરતા હતા કે ભારતનું અર્થતંત્ર નબળું પડી ગયું છે અને દેશ વિદેશી દેવાના બોજ હેઠળ દબાઈ રહ્યો છે. પરંતુ આજના આંકડા એવા લોકો માટે આંખ ઉઘાડનારા છે. આજે ભારત પર કુલ વિદેશી દેવું ૭૬૦ અબજ ડૉલર છે અને તેની સામે ભારત પાસે ૭૪૦.૮ અબજ ડૉલરની રોકડ અનામત મોજૂદ છે. એટલે કે ભારતનું હૂંડિયામણ ભંડાર તેના કુલ દેવાના ૯૭ ટકા જેટલું મજબૂત બની ગયું છે. ભારત આજે પોતાના દમ પર મોટાભાગનું વિદેશી દેવું તાબડતોબ ચૂકવી દેવાની અભૂતપૂર્વ ક્ષમતા ધરાવે છે.
અભેદ્ય આર્થિક કિલ્લો બન્યું ભારત
આજે જ્યારે મોટી વૈશ્વિક મહાસત્તાઓ મંદીના વાવાઝોડા સામે લાચાર દેખાઈ રહી છે ત્યારે ભારત એક એવો અભેદ્ય કિલ્લો બનીને ઊભરી આવ્યું છે જેને કોઈ બાહ્ય સંકટ હચમચાવી શકે તેમ નથી. આ સિદ્ધિ માત્ર આંકડાઓની રમત નથી પરંતુ વિશ્વ મંચ પર આત્મનિર્ભર બનતા નવા ભારતની વિરાટ તાકાતનો પુરાવો છે. આ ઐતિહાસિક ગૌરવ માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકના દૂરંદેશી વહીવટની સાથે સાથે ભારત માતા માટે પોતાની કમાણી દેશમાં ઠાલવી દેનારા બિનનિવાસી ભારતીયોને પણ સલામ કરવી ઘટે છે.


