
સાયબર ઠગીની ચોંકાવનારી ઘટના, વીજળી કાપવાના નામે મેસેજ કર્યા બાદ લાખોની છેતરપીંડી
નવી દિલ્હીઃ દેશમાં સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ઝારખંડની રાજધાની રાંચીમાં સાયબર છેતરપીંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ છેતરપિંડી કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. સાયબર અપરાધીઓએ ઘરની વીજળી કાપવાના નામે એક વ્યક્તિને મેસેજ મોકલીને તેના ખાતામાંથી 3.90 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાંચીના કાલીબાબુ સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા સુરેશ અગ્રવાલને ગત 7 એપ્રિલે તેમના ફોન પર ઘરની વીજકાપ કાપવાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં તેમને મોબાઈલ નંબર પર કોલ કરવાનું કહેવામાં આવ્યું હતું. સુરેશે તે નંબર પર ફોન કરતાની સાથે જ સામેના વ્યક્તિએ તેમને મૂંઝવણમાં મુકી દીધો અને તેના ક્રેડિટ કાર્ડમાંથી ત્રણ વખત ત્રણ લાખ રૂપિયા ઉડાવી લીધા હતા.
આ ઘટના બાદ ઝારખંડના વીજળી વિભાગે લોકોને એલર્ટ કરવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યો છે. આ સાથે તેમણે તમામને એવી પણ સૂચના આપી હતી કે, જો કોઈના ફોન પર વિજળી વિભાગ કે વીજ કાપ અંગે કોઈ મેસેજ આવે તો તેનો જવાબ ન આપવો અને તરત જ વીજ વિભાગ અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.
વીજળી વિભાગે જણાવ્યું હતું કે, લોકોને એક મોબાઈલ નંબર પરથી મેસેજ મળી રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે 9:30 વાગ્યે તમારું વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવશે. તમારું છેલ્લા મહિનાનું બિલ અપડેટ થયું ન હોવાથી, કૃપા કરીને આપેલા મોબાઇલ નંબર પર કૉલ કરો. આ નંબર જાહેર કરતી વખતે, વિદ્યુત વિભાગે કહ્યું હતું કે, આ કોઈ વીજળી અધિકારીનો નંબર નથી અને JBVNL ને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
(PHOTO-FILE)