EVમાં શોર્ટ સર્કિટ કે સુરક્ષામાં ખામી? દેશમાં 3 વર્ષમાં ઇ-વાહનોના 23,865 અકસ્માત
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પર્યાવરણની જાળવણી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી છૂટકારો મેળવવા માટે દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જોકે, આ આધુનિક સવારી હવે સુરક્ષાના મામલે સવાલોના ઘેરામાં આવી છે. કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં EV સાથે સંકળાયેલા કુલ 23,865 માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેમાંથી 26 કિસ્સાઓમાં બેટરીમાં બ્લાસ્ટ કે આગ લાગવાની ગંભીર ઘટનાઓ બની છે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના ‘ઇલેક્ટ્રોનિક અકસ્માત અહેવાલ પોર્ટલ’ના ડેટા અનુસાર, જેમ-જેમ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે, તેમ-તેમ તેની સાથે જોડાયેલી દુર્ઘટનાઓમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2023માં અકસ્માતના 5594 અને આગના 8 બનાવ બન્યાં હતા. આવી જ રીતે 2024માં અકસ્માતના 717 અને આગના 09 તથા 2025માં અકસ્માતના 10454 અને આગના નવ બનાવ નોંધાયાં છે.
નિષ્ણાતોના મતે EVમાં આગ લાગવાનું મુખ્ય કારણ તેમાં વપરાતી લિથિયમ-આયન બેટરી છે. ટેકનિકલ ભાષામાં તેને ‘થર્મલ રનઅવે’કહેવામાં આવે છે. આ એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં બેટરીની અંદરનું તાપમાન અચાનક અને બેકાબૂ રીતે વધવા લાગે છે, જે અંતે વિસ્ફોટ અથવા ભીષણ આગમાં પરિણમે છે. અકસ્માત દરમિયાન બેટરી પેક પર દબાણ આવતા કે પંચર થતા શોર્ટ સર્કિટ થાય છે. લાંબા સમય સુધી કે હાઈ વોલ્ટેજ પર ચાર્જિંગ કરવાથી બેટરી ગરમ થઈ જાય છે. સસ્તી અને હલકી ગુણવત્તાની બેટરીઓ ભારતના ગરમ વાતાવરણને સહન કરી શકતી નથી. તેમજ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ નિષ્ફળ જવાથી તાપમાન નિયંત્રિત રહેતું નથી.
સરકાર એક તરફ EV સેક્ટરને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે બીજી તરફ વધતા અકસ્માતો ગ્રાહકોમાં ફાળ પેદા કરી રહ્યા છે. 14 નવેમ્બર, 2022થી સરકારે EV અકસ્માતોનો ડેટા અલગથી નોંધવાનું શરૂ કર્યું છે, જેથી તેના મૂળ કારણો સુધી પહોંચી શકાય અને ભવિષ્યમાં સુરક્ષાના ધોરણો વધુ કડક બનાવી શકાય. જો તમે ઇલેક્ટ્રિક વાહન વાપરતા હોવ, તો કંપની દ્વારા પ્રમાણિત ચાર્જરનો જ ઉપયોગ કરો અને ઉનાળામાં વાહનને સીધા તડકામાં લાંબો સમય પાર્ક કરવાનું ટાળો.
(PHOTO-FILE)


