બંગાળમાં શુભેન્દુ કેબિનેટનું વિસ્તરણ: પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા સહિત 35 નવા મંત્રીઓએ લીધા શપથ
કોલકાતા, 1 મે 2026: પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચનાના આશરે એક મહિના બાદ આજે સોમવારે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની કેબિનેટનું પ્રથમ મોટું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજભવન/લોકભવન ખાતે આયોજિત એક ભવ્ય અને સત્તાવાર સમારોહમાં રાજ્યપાલ દ્વારા કુલ ૩૫ નવા નેતાઓને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ નવા વિસ્તરણ સાથે જ હવે શુભેન્દુ સરકારમાં કુલ મંત્રીઓની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે. મંત્રી બનનારાઓમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર અને મોયના બેઠકના વર્તમાન ધારાસભ્ય અશોક ડિંડા પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા) એ ઐતિહાસિક બહુમતી મેળવીને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષ જૂના શાસનનો અંત આણ્યો હતો. ત્યારબાદ ગત 9 મેના રોજ શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે અને તેમની સાથે 5 અન્ય વરિષ્ઠ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આજના વિસ્તરણમાં જે 8 વરિષ્ઠ નેતાઓને પૂર્ણ કક્ષાના કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે, તેમાં દીપક બર્મન, સ્વપ્ન દાસગુપ્તા, તપસ રોય, શંકર ઘોષ, મનોજ કુમાર ઓરામ, અર્જુન સિંહ, જગન્નાથ ચેટર્જી અને અજય પોદ્દારનો સમાવેશ થાય છે. શપથ લેનારા તમામ નવા મંત્રીઓના ખાતાઓની સત્તાવાર વહેંચણી ટૂંક સમયમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવશે.
-
યુવા અને પ્રાદેશિક પ્રતિનિધિત્વને મહત્વ
સરકારમાં યુવા અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ વધારવા માટે પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા ઉપરાંત જ્વેલ મુર્મુ, હરિકૃષ્ણ બેરા, શાંતનુ પ્રમાણિક, ઉમેશ રોય, પૂર્ણિમા ચક્રવર્તી, ભાસ્કર ભટ્ટાચાર્ય, કલિતા માજી, બિરાજ વિશ્વાસ, આનંદમય બર્મન, વિશાલ લામા અને દીપાંકર જાનાને ‘રાજ્ય મંત્રી’ તરીકેની જવાબદારી સોંપાઈ છે. જ્યારે માલતી રાવા રાય, રાજેશ મહતો અને ઇન્દ્રનીલ ખાનને ‘રાજ્ય મંત્રી – સ્વતંત્ર પ્રભાર’ આપવામાં આવ્યો છે.
કેબિનેટમાં અગાઉ શપથ લઈ ચૂકેલા મંત્રીઓના વિભાગો અગાઉથી જ નિર્ધારિત છે, જેમાં દિલીપ ઘોષ (પંચાયત અને ગ્રામીણ વિકાસ, પશુપાલન અને કૃષિ માર્કેટિંગ), અગ્નિ મિત્રા પૉલ (મહિલા અને બાળ કલ્યાણ તેમજ નગર અને ગ્રામીણ વિકાસ), નિસિથ પ્રમાણિક (ઉત્તર બંગાળ વિકાસ અને રમતગમત વિભાગ) અશોક કીર્તનિયા (અન્ન અને નાગરિક પુરવઠા (ખાદ્ય) વિભાગ) અને ખુદીરામ ટુડુ (પછાત વર્ગ કલ્યાણ અને લઘુમતી બાબતો)નો સમાવેશ થાય છે. રાજકીય સમીક્ષકોના મતે, આ વિસ્તરણમાં આગામી શાસનને સુદ્રઢ બનાવવા માટે ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોને સચોટ રીતે સંતુલિત કરવામાં આવ્યા છે.


