
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂની પરમિટ ધારકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો
અમદાવાદઃ લાંબા સમયથી ડ્રાય સ્ટેટનો દરજ્જો ધરાવતા ગુજરાતમાં દારૂની પરમિટ ધારકોની સંખ્યામાં સતત વધારો થયો છે. અહીં ત્રણ વર્ષમાં આરોગ્યના આધાર પર દારૂની પરમિટ ધારકોની સંખ્યામાં 58 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં નશાબંધી વિભાગના આંકડા મુજબ, નવેમ્બર 2020 માં 27,452 પરમિટ ધારકોની સરખામણીએ હાલ ગુજરાતમાં 43,470 પરમિટ ધારકો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, નવી પરમિટની અરજીઓ પર ઝહપથી પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યમાં કાયદેસર રીતે દારુનું વેચાણ પણ વધી રહ્યાંનું જાણવા મળે છે. રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં મહત્તમ 13,456 પરમિટ ધારકો છે. સુરતમાં 9,238, રાજકોટમાં 4,502, વડાદરામાં 2,743, જામનગર 2,039, અને ગાંધીનગરમાં 1,851 પરમિટ ધારકો છે. એંજાયટી, હાઈપર ટેંશન અને અનિદ્રાની વધતી જતી ઘટનાઓને કારણે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો આરોગ્યના કારણઓસર દારૂ પરમિટ માટે અરજી કરતા હોવાનું જાણવા મળે છે. રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગ પણ દારૂની પરમિટની અરજીઓને મંજૂરી આપી રહ્યા છે.
વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેટલાક મામલામાં પરમિટ ધારકોના મૃત્યુ પછી પરમિટ આપોઆપ રદ થઈ જાય છે. જ્યારે ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ 2023માં દારૂના કુલ વેચાણમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો થયો છે. દારૂનું વેચાણ વધવાનું મુખ્ય કારણ વિઝિટર પરમિટ પણ છે. આ વખતે વિઝિટર પરમિટમાં 30 ટકાનો વધારો થયો છે, વર્લ્ડ કપ અને જી20 કાર્યક્રમને લીધે વિઝિટર પરમિટમાં વધારો થયો છે.