બંગાળમાં SIRનો ખોફ: મતદાર યાદી સુધારણાના ડરથી 107 લોકોના મોતનો દાવો
કોલકાતા, 5 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026ના રોજ એક ચોંકાવનારો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મમતા બેનર્જીની સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) એટલે કે મતદાર યાદીની ખાસ ચકાસણીના ડર અને ગભરાટને કારણે અત્યાર સુધીમાં 107 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટીએમસી સરકારે આ પ્રક્રિયાને એનઆરસી (એનઆરસી) લાવવાનો પાછલો દરવાજો ગણાવ્યો છે.
રાજ્યના સંસદીય કાર્ય મંત્રી શોભનદેવ ચટ્ટોપાધ્યાયે નિયમ 169 હેઠળ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવમાં જણાવ્યા અનુસાર, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણાના નામે રાજ્યમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. અનેક લોકોને એવો ડર છે કે તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. આ માનસિક દબાણ અને ચિંતાને કારણે 107 લોકોના મોત થયા હોવાનો દાવો કરાયો છે, જેમાં આત્મહત્યાના કિસ્સાઓનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, એસઆઈઆરના ડરને કારણે રાજ્યમાં દરરોજ સરેરાશ 3 થી 4 લોકો આત્મહત્યા કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર એસઆઈઆર દ્વારા બંગાળમાં એનઆરસી લાગુ કરવા માંગે છે. ચૂંટણી પંચ નિષ્પક્ષ ભૂમિકા ભજવવાને બદલે કેન્દ્રના ઈશારે કામ કરી રહ્યું છે. મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કહ્યું કે, આ તમામ મૃત્યુની નૈતિક જવાબદારી ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારે લેવી જોઈએ.
બીજી તરફ, ભાજપે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ભાજપના નેતાઓએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે જાણીજોઈને લોકોમાં અફવા અને ભય ફેલાવી રહી છે. જે મૃત્યુનો હવાલો આપવામાં આવ્યો છે તે વ્યક્તિગત કારણોસર હોઈ શકે છે, તેને રાજકીય રંગ આપવો ખોટું છે. મતદાર યાદીનું રિવિઝન (એસઆઈઆર) એ એક નિયમિત અને બંધારણીય પ્રક્રિયા છે, જેનો હેતુ માત્ર પારદર્શિતા જાળવવાનો છે. બંગાળ વિધાનસભામાં આ પ્રસ્તાવ પસાર થયા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણ વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ વાવ-થરાદના સવપુરા માઈનોર કેનાલમાં કચરો ભરાતા ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી


