રાજકોટમાં ગરમીનો પારો વધ્યો, બપોરના સમય પર વગર કર્ફ્યુએ કર્ફ્યુ જેવો માહોલ
- રાજકોટ: લૂ-વર્ષાથી જનજીવન પ્રભાવિત
- તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર
- ભારે ગરમીને લઇને બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ
રાજકોટ: માર્ચ મહિનાના અંતમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે તારીખ 1 એપ્રિલ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગરમીમાં રાહત મળી હતી. ત્યારબાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ગરમીમાં વધારો થયો છે. બપોરના સમયે અંગ દઝાડતા તાપ અને લૂ-વર્ષાના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે.
ગઈકાલે શહેરમાં તાપમાનનો પારો ઉંચકાઈને 41.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. મોડી સાંજે પવનો ફૂંકાતા લોકોને ગરમીમાંથી આંશીક રાહત મળી હતી. જો કે, બપોરના સમયે તાપમાનનો પારો 40.4 ડિગ્રીએ પહોંચી જતા નગરજનો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તો આ બાબતે અનેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે અને રાજકોટના પ્રખ્યાત એવા પ્રધ્યુમન પાર્કમાં પ્રાણીઓને તકલીફ ન પડે તે માટેની પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.