
ઝાબુઓમાં સુકી ભઠ્ઠ જમીનમાં શિવગંગા પ્રોજેકટથી ભૂગર્ભ જળ સપાટી વધી, હરિયાળી ક્રાંતિનો પાયો નાખ્યો
(અલકેશ પટેલ)
અમદાવાદઃ ગુજરાતની પૂર્વ સરહદ નજીક મધ્યપ્રદેશમાં ઝાબુઆ જિલ્લામાં એક શાંત ક્રાંતિ થઈ રહી છે. આ ક્રાંતિનાં શસ્ત્રો છે પાવડા અને કોદાળી. આ ક્રાંતિનું ધ્યેય છે લીલીછમ ધરતી. આ ક્રાંતિનું પરિણામ છે જમીનમાં પાણીનો ભરપૂર સંગ્રહ. આ ક્રાંતિનાં ફળ મળી રહ્યાં છે આદિવાસી યુવાનોને ઘર આંગણે જ રોજગારીના અવસર રૂપે. ઝાબુઆના આદિવાસીઓએ, અન્ય ગ્રામ્ય પ્રજાએ હરિત-ક્રાંતિ કરી છે.
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં શિવગંગા સમગ્ર ગ્રામીણવિકાસ પરિષદ નામે એક સંસ્થા આ હરિતક્રાંતિની સૂત્રધાર છે. આ સંસ્થા – જલ, જંગલ, જમીન, જાનવર અને જળ – એમ આદિજાતિઓ માટે પાયાના દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે.
આ સુકાભઠ પ્રદેશને હરિયાળો કરવા માટેના પ્રયાસ 2007માં શરૂ થયા હતા. બન્યું એવું કે, મહેશ શર્મા આદિવાસી વિસ્તારોની સામાજિક – આર્થિક સ્થિતિ વિશે અભ્યાસ કરવા 1998માં ઝાબુઆ પહોંચ્યા. ત્યાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, યુવાનોને મળ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે એ પ્રદેશના લોકોની સૌથી મોટી ફરિયાદ પાણીની અછતની છે. આ અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત સ્થાનિક આદિવાસી અગ્રણી હર્ષ ચૌહાણ સાથે થઈ. બંનેએ સાથે મળીને ઝાબુઆની પાણીની સમસ્યા હલ કરવા માટે મનોમંથન કર્યું અને તેમાંથી શિવગંગા યોજનાનો વિચાર આવ્યો.
પાણી સિવાય પણ ઝાબુઆ ક્ષેત્રની બીજી અનેક સમસ્યાઓ જેવી કે, આરોગ્ય, શિક્ષણ, આદિવાસી મહિલાઓનું સ્વાસ્થ્ય જેવા પ્રશ્નો પણ હતા. એ લોકોને ચોમાસા સિવાયના સમયમાં રોજગારી માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડતું હતું. આવા સ્થળાંતરને કારણે પરિવારો જૂદા પડી જતા એટલું જ નહીં પરંતુ અન્ય સ્થળોએ તેઓ તેમની પરંપરાગત આદિવાસી સંસ્કૃતિનું જતન કરી શકતા નહોતા. તકોના અભાવે યુવાનો પણ હતાશ થઈ રહ્યા હતા.
આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા બંને કર્મશીલોએ શિવગંગા સમગ્ર ગ્રામીણવિકાસ પરિષદની રચના કરી જેથી અલગ અલગ સમસ્યાઓનો અલગ અલગ માધ્યમ દ્વારા ઉકેલ લાવી શકાય. તેમણે ઝાબુઆ જિલ્લાના 800 ગામમાં એક નેટવર્ક ઊભું કર્યું અને તેના દ્વારા ગામ તળાવો, ખેત તળાવો, નાના-મોટા કદના પાણીના કુંડ બનાવવાની કામગીરી સ્થાનિક આદિવાસીઓ તેમજ યુવાનો અને મહિલાઓની મદદથી શરૂ કરી.
પાણીનો સંગ્રહ શરૂ થયા પછી ખેતી માટે ચોમાસા સિવાય પણ પાણી મળી રહેવાની સુવિધા ઊભી થતાં તેમણે ગામડાંની નજીક જંગલો ઉગાડવાની યોજના બનાવી. આ માટે ખેડૂતો સાથે વાત કરી અને તેઓ જમીન આપવા તૈયાર થયા. ઝાબુઆ જિલ્લાના આદિવાસીઓ જંગલોમાં જ રહેતા હતા પરંતુ વિકાસની દોડમાં એ જંગલોનો નાશ થતા તેમનું પરંપરાગત જીવન ખોરવાઈ રહ્યું હતું. એ જંગલોને આદિવાસીઓ માતાવન તરીકે ઓળખતા હતા. મહેશભાઈ અને હર્ષભાઈએ નવેસરથી ગામડાંઓની નજીક જંગલો ઉગાડવાની જે યોજના બનાવી તેનું નામ માતાવન જ રાખ્યું જેથી આદિવાસીઓને એ પોતીકું લાગે.
સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારના ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગની તાલીમ તથા અન્ય સહાય આપવામાં આવી રહી છે જેને કારણે આ વિસ્તારમાં ખેતીની ઉપજ અને ખેડૂતોની આવક બંનેમાં વધારો થયો છે.
આમ કરતાં કરતાં ઝાબુઆનો આદિવાસી સમૂહ ફરી એકત્રિત અને સંગઠિત થતો ગયો એટલે તેમના માટે સ્થાનિક સ્તરે જ રોજગારીના અવસર ઊભા કરવામાં આવ્યા. સંસ્થા દ્વારા સ્થાનિક યુવાનોને વાંસમાંથી વિવિધ ચીજો બનાવવા સહિત અન્ય રોજગારલક્ષી તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે.
શિવગંગાનો આ ઉપક્રમ સમગ્ર આદિવાસી સમાજ માટે હોવાથી સ્વાભાવિક રીતે જ મહિલાઓ તેમજ કિશોરીઓને તેમાં જોડવામાં આવી છે. આ વિસ્તારમાં હાલ અનેક યોજનાનું નેતૃત્વ મહિલાઓને સોંપવામાં આવ્યું છે. તેની સાથે સાથે કિશોરાવસ્થાની દીકરીઓને પણ શિક્ષણ સહિત વિવિધ તાલીમ કાર્યક્રમોમાં સામેલ કરીને તેમને સક્ષમ બનાવવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં તેઓ સમાજમાં માનભેર સ્થાન મેળવી શકે.
આ ક્ષેત્રના સમુદાયો સાથેની વાતચીત દરમિયાન સંસ્થાના સંચાલકોને ધ્યાનમાં આવ્યું કે, આરોગ્યના પ્રશ્નો ચિંતાજનક છે. જંગલ વિસ્તાર હોવાથી ક્વૉલિફાઈડ ડૉક્ટરો અહીં પ્રેક્ટિસ કરતા નથી. આ કારણે સંસ્થાએ પોતે આ બાબતમાં ધ્યાન આપ્યું અને સાથે દરેકના ઘરાના આંગણાંમાં જડીબુટ્ટીઓના છોડ અને વૃક્ષો ઉગાડવાનો પ્રયોગ પણ શરૂ કર્યો. સંસ્થાના સંચાલકો જણાવે છે કે, જડી-બુટ્ટીઓના છોડ-વૃક્ષોના પ્રયોગ બાદ આશ્ચર્યજનક પરિણામ મળ્યાં છે. આદિવાસી પરિવારોમાં સ્વાસ્થ્યની સમસ્યાઓ ઘટી ગઈ છે એટલું જ નહીં પરંતુ તેનું બીજું એક પરિણામ એ પણ આવી રહ્યું છે કે વૃક્ષો પર ઊગતી વધારાની જડીબુટ્ટીઓ વેચીને પરિવારો આવક પણ કરી રહ્યા છે.
શિવગંગા કાર્યક્રમની સાથે સાથે આદિવાસીઓની હજારો વર્ષ જૂની હલમા પરંપરા પણ પુનઃજીવિત થઈ છે. હલમા એક એવી પરંપરા છે જેમાં કોઇપણ આદિવાસી પરિવારને એવી મદદ જોઈતી હોય જેમાં શારીરિક શ્રમની આવશ્યકતા હોય, પરંતુ એ કામગીરી વ્યવસાયી રીતે કરાવી શકાય એવી નાણાકીય સ્થિતિ ન હોય ત્યારે તે પોતાના સમુદાયને હાકલ કરે અને સમુદાય લોકો એકઠા થઇને સામુહિક રીતે એ પરિવારની જરૂરિયાતનું કામ કરી આપે. હલમાની આવી કામગીરી માટે એકઠા થતા આદિવાસીઓ ભોજન પોત-પોતાના ઘરેથી જ લઇને આવે અને જરૂરિયાતમંદ વ્યક્તિનું કામ કરીને એ માટે કોઈ ફી લીધા વિના હસતાં હસતાં પોતપોતાના ઘરે પરત ફરી જાય.
શિવગંગાના સંચાલકોને આ પરંપરાની જાણ થઈ ત્યારે તેમણે એ લુપ્ત થઈ ગયેલી પરંપરાને પુનઃજીવિત કરી. હકીકતે ગામોની આસપાસ તળાવો બનાવવા, માતાવન વિકસાવવા જેવાં કામો હાલ આ હલમા પરંપરા દ્વારા જ થઈ રહ્યા છે.
સંસ્થા દ્વારા શહેરી યુવાનો માટે ફેલોશિપ કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે જેના હેઠળ આદિવાસી વિસ્તારોમાં કામ કરવા ઈચ્છુક યુવાન-યુવતીઓ ઝાબુઆમાં શિવગંગા સંસ્થા સાથે મળીને પ્રત્યક્ષ કામગીરીનો અનુભવ અને તાલીમ લે છે.